વોટિંગ ફેસબુક પર ફરી લાઇવ બતાવાયું

વોટિંગ ફેસબુક પર ફરી લાઇવ બતાવાયું
મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં 14 બેઠકોમાં 61.30 ટકા મતદાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 14 બેઠકોમાં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ 61.30 ટકા મતદાન થયું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં જળગાંવમાં 58 ટકા, રાવેરમાં 58 ટકા, જાલનામાં 63 ટકા, ઔરંગાબાદમાં 61.87 ટકા, રાયગઢમાં 58.06 ટકા, પુણેમાં 53 ટકા, બારામતીમાં 59.50 ટકા, અહમદનગરમાં 63 ટકા, માઢામાં 63 ટકા, સાંગલીમાં 64 ટકા, સતારામાં 57.06 ટકા, રત્નાગિરિ - સિન્ધુદુર્ગમાં 62.26 ટકા, કોલ્હાપુરમાં 69 ટકા અને હાથ કણંગલેમાં 68.50 ટકા મતદાન થયું હતું.
મલકાપુરમાં આવેલા ગોવિંદ વિષ્ણુ મહારાજ વિદ્યાલયના બુથ ક્રમાંક-166માં મતદાન કરવા મોહનસિંગ સિંધુ ગણબાસ અને શ્રીકૃષ્ણ સંપત શેકોકાર મતદાન કરવા ગયા હતા. મતદાર યાદીમાં તેમનું નામ હોવા છતાં તેમના નામની સામે મૃતક એવું લખવામાં આવ્યું હોવાથી તેઓ મતદાન કરી શકયા નહોતા. તેથી કૉંગ્રેસના સ્થાનિક હોદ્દેદારોની આગેવાની હેઠળ `તે' જીવંત મતદારની પ્રતિકાત્મક `અંતિમયાત્રા' કાઢવામાં આવી હતી. તેના દ્વારા ચૂંટણી પંચનો નિષેધ કરવામાં આવ્યો હતો.
હાથ કણંગલે બેઠકમાં ભવાનીનગર ખાતે ભાગવત જાધવ નામના મતદારે મતદાન કરતી વેળાએ પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. તેથી મતદાન કેન્દ્રમાં સલામતી વ્યવસ્થામાં કચાશ હોવાનું ફરી પુરવાર થયું છે. મતદાનની તસવીરો વાઇરલ થાય નહીં એ માટે ચૂંટણી પંચે મતદાન કેન્દ્રોમાં મોબાઇલ લઈ જવા ઉપર બંધી લાદી છે. આમ છતાં કેટલાક લોકો પોલીસની નજર ચૂકવીને મતદાન કેન્દ્રમાં મોબાઇલ ફોન લઈ જતા હોય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer