પ્રિયા દત્તનાં પ્રચાર માટે ભાઇ સંજય દત્ત મેદાનમાં

પ્રિયા દત્તનાં પ્રચાર માટે ભાઇ સંજય દત્ત મેદાનમાં
સાંતાક્રુઝથી બાંદરા સુધી કૉંગ્રેસની પ્રચાર યાત્રામાં પ્રચંડ ભીડ ઊમટી

મુંબઈ, તા. 23 : ઉત્તર-મધ્ય મુંબઈની લોકસભાની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્તનાં પ્રચારમાં સોમવારે અભિનેતા ભાઇ સંજય દત્ત પણ જોડાયો હતો. સાંતાક્રુઝથી બાંદરા (પશ્ચિમ) સુધીના વિસ્તારમાં કૉંગ્રેસની પ્રચાર યાત્રામાં સંજય દત્ત સામેલ થતાં તેના ચાહકોની ખાસ્સી ભીડ જોવા મળી હતી.
રિઝવી પાર્ક ખાતેથી સાંજે છ વાગ્યે આ પ્રચાર યાત્રા શરૂ થવાની હતી, પરંતુ સંજય દત્ત એકાદ કલાક મોડો પહોંચતા આ પ્રચાર યાત્રા લગભગ સાંજે સવા સાતે શરૂ કરાઇ હતી. બાદમાં જેમ જેમ આ કાફલો આગળ વધતો હતો તેમ લોકોની ભીડ વધતી ગઇ હતી.
મોદી સરકારની નીતિઓની ટીકા કરતા સૂત્રોચ્ચાર આ યાત્રામાં જોરશોરથી ગુંજ્યા હતા. વચ્ચે શાસ્ત્રીનગર નજીક પ્રચાર યાત્રામાં મોદી સરકારે નોટબંધી કરી તેનાથી લોકોના રોજગાર છીનવાયા, ગરીબોના પેટ પર લાત પડી તેથી ફરીથી આવી સરકાર નહીંના નારા ગૂંજ્યા હતા. ખાર દાંડામાં કોળી મહિલાઓએ કોળીવાડાનાં પુનર્વસનનું કામ અટકી પડયું હોવાનું જણાવી પ્રિયા દત્ત આ મુદ્દે સમાધાન લાવશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
જો કે સાંજના ટ્રાફિકના સમયે રોડ પર સંજય દત્તની સ્ટાર પ્રચાર યાત્રાના કારણે લોકોની ભારે ભીડના પગલે સાંતાક્રુઝથી બાંદરા સુધી સ્વામી વિવેકાનંદ રોડ પર અનેક જગ્યાએ ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાય હતી. ટ્રાફિક પોલીસે ટ્રાફિકને વ્યવસ્થિત કરવા ખાસ્સી મહેનત કરવી પડી હતી.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer