રાહુલને સુપ્રીમની કારણદર્શક નોટિસ

રાહુલને સુપ્રીમની કારણદર્શક નોટિસ
ચોકીદાર ચોર મામલે કૉંગ્રેસની વિનંતી ન માની : 30 એપ્રિલે સુનાવણી

નવી  દિલ્હી, તા. 23 : રાહુલ ગાંધીએ ભલે સુપ્રીમ કોર્ટને ટાંકીને `ચોકીદાર ચોર હૈ' નિવેદન પર ભલે ખેદ દર્શાવ્યો હોય, મામલો તેમનો પીછો છોડતો લાગતો નથી. સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા મીનાક્ષી લેખીની  અવમાનના અરજીની સુનાવણી કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કારણબતાઓ નોટિસ જારી કરી છે. કોંગ્રેસ તરફથી મામલાને સમાપ્ત કરવાની અપીલને બાજુએ મૂકતાં સર્વોચ્ચ અદાલતે રાહુલને આ નોટિસ જારી કરી હતી. કોર્ટ રાફેલ પરની પુનર્વિચારણા અરજી અને લેખીની અવમાનના અરજી પરની સુનાવણી હવે 30મી એપ્રિલના કરશે.
પૂર્વ એટર્ની જનરલ અને મીનાક્ષી લેખી વતી ઉપસ્થિત મુકુલ રોહતગીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી ફોજદારી માનહાનિના મામલામાં નોટિસ જારી કરવામાં આવ્યા બાદ રાહુલને સ્વયં અદાલતમાં ઉપસ્થિત રહેવું પડશે. રોહતગીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષને કોર્ટમાં હાજર થઈ એ જણાવવું પડશે કે તેમણે ખોટું નિવેદન કયા સંદર્ભમાં કર્યું હતું અને તેનું કારણ શું હતું.
સુનાવણી દરમ્યાન રોહતગીએ કહ્યું કે રાહુલે કબૂલ્યું છે કે તેમનું નિવેદન ખોટું હતું. રાહુલે કહ્યું કે તેમણે કોર્ટના આદેશને જોયો ન હતો અને નિવેદન જોશમાં આપી દીધું હતું. રાહુલે નિવેદન અંગે જે ખેદ દર્શાવ્યો તે પણ એક જ લાઈનમાં બ્રેકેટમાં આપી દેવાયો હતો. સુપ્રીમ કોર્ટે જ્યારે પૂછ્યું કે ચોકીદાર કોણ છે તો રોહતગીએ કહ્યું કે રાહુલે અમેઠીથી લઈને વાયનાડ સુધી કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચોકીદાર ચોર છે અને ચોકીદાર નરેન્દ્ર મોદી છે.
રાહુલે રાફેલ મામલામાં ચોકીદાર ચોર છે નિવેદન સુપ્રીમ કોર્ટના મુખે નાખવાના મામલે એફિડેવિટ દાખલ કરીને ખેદ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ નિવેદન ચૂંટણીસભામા પ્રચાર દરમ્યાન આવેશમાં થઈ ગયું હતું. તેમના પ્રતિદ્વંદ્વી એવો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે તેમણે જાણીજોઈને એવું નિવેદન આપ્યું હતું કે કોર્ટે કહ્યુy છે કે ચોકીદાર ચોર છે. તેમને કોર્ટ પ્રતિ બેહદ સન્માન છે અને કોર્ટના આદેશના ઉલ્લંઘન વિશે વિચારી પણ શકે નહીં. તેમણે અદાલતમાં એવી ખાતરી પણ આપી હતી કે ભવિષ્યમાં કોર્ટના હવાલાથી રાજકીય નિવેદનબાજી ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી કોર્ટે પોતાના આદેશમાં ટિપ્પણી કરી ન હોય.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer