ત્રીજા તબક્કામાં પણ ઈવીએમ ખોટકાયાં અને હિંસક અથડામણો

ત્રીજા તબક્કામાં પણ ઈવીએમ ખોટકાયાં અને હિંસક અથડામણો
બંગાળમાં એકની હત્યા: યુપી, કાશ્મીરમાં પોલિંગ એજન્ટની ધોલાઈ : વાયનાડમાં એનડીએના ઉમેદવારે એક મથકે ઈવીએમ ખોટકાયા બાદ ફેરમતદાનની માગણી કરી  

નવીદિલ્હી, તા. 23 : લોકસભા ચૂંટણીનાં ત્રીજા અને સૌથી મોટા તબક્કામાં આજે 13 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યોજાયેલા 117 બેઠકો માટેનાં મતદાન દરમિયાન પણ અગાઉનાં બન્ને તબક્કાની જેમ ઈવીએમ અને વીવીપેટ મશીનમાં ખોટકા સહિતની થોકબંધ ફરિયાદો ઉઠી હતી. આવી જ રીતે આ તબક્કો પણ હિંસક ઘટનાઓથી મુક્ત રહ્યો ન હતો. જેમાં પશ્ચિમ બંગાળનાં મુર્શીદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકરની છરીનાં ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. તો કાશ્મીરમાં બીજબેહારા મતદાન મથકે બોગસ મતદાન અવરોધનાર પોલિંગ એજન્ટ સાથે મારપીટ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં સાઈકલને મત આપવાની સૂચનાઓ આપતાં એક પોલિંગ એજન્ટની પણ ધોલાઈ કરવામાં આવી હતી. 
ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદમાં એક ચૂંટણી અધિકારી ઉપર આરોપ મૂકાયો હતો કે તે સપાનાં નિશાન સાઈકલનાં બટન દબાવવા માટે મતદારો ઉપર દબાણ કરતો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા ભાજપનાં કાર્યકરોએ તેની સ્થળ ઉપર જ ધોલાઈ કરી નાખી હતી. યુપીમાં અન્યત્ર પણ આવી નાની-મોટી બબાલની ઘટનાઓ બની હતી. 
પશ્ચિમ બંગાળમાં ત્રીજો તબક્કો પણ રક્તરંજિત થયો હતો. મુર્શીદાબાદનાં બલીગ્રામમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. આ પૂર્વે મુર્શીદાબાદનાં ડોમકાલ મ્યુનિસિપાલીટીમાં દેશી બોમ્બ ઝીંકાયો હતો. જેમાં તૃણમૂલનાં ત્રણ કાર્યકર ઘવાયા હતાં.  વાયનાડ બેઠક ઉપર એનડીએનાં ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લીએ એક મતદાન મથકે ઈવીએમમાં ખરાબીનાં આક્ષેપો કરીને ત્યાં ફેરચૂંટણીની માગણી કરી હતી.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer