એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુ-સાઇના બીજા રાઉન્ડમાં

એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુ-સાઇના બીજા રાઉન્ડમાં
વુહાન, તા.24: ટોચની ભારતીય ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. પીવી સિંધુએ આજે અહીં પહેલા રાઉન્ડમાં જાપાની ખેલાડી તાકાહાશી સયાકા સામે માત્ર 28 મિનિટની અંદર બે સીધા સેટમાં 21-14 અને 21-7થી શાનદાર વિજય હાંસલ કર્યોં હતો. સિંધુનો બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની ખેલાડી ચોઇરુનિસા સામે સામનો થશે. જ્યારે અનુભવી સાઇના નેહવાલે પહેલા રાઉન્ડના મેચમાં ચીની ખેલાડી હાન યુનને થોડી રસાકસી બાદ 12-21, 21-11 અને 21-17થી હાર આપી હતી. પહેલી ગેમ હારી જનાર સાઇનાએ મજબૂતીથી વાપસી કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોં હતો.સાઇનાની બીજા રાઉન્ડમાં ટક્કર દ. કોરિયાની કિમ ગા યુન સામે થશે. પુરુષ વિભાગમાં ભારતના સમીર વર્માએ પહેલા રાઉન્ડમાં જાપાનના સકાઇ કાજુમાસા સામે 21-13, 17-21 અને 21-18થી રોચક જીત મેળવી હતી. પુરુષ અને મહિલા ડબલ્સમાં ભારતીય જોડી એમઆર અર્જુન-રામચંદ્રન શ્લોક અને મેઘના-પૂર્વિશાના પરાજય થયા હતા.

Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer