મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા બિઝનેસ પ્લાન કંડારી રહ્યા છે

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા બિઝનેસ પ્લાન કંડારી રહ્યા છે
આ પેટ્રોલિયમ કંપની રિટેલ, ડિજિટલમાં વ્યાપ વધારશે 
 
અમારા ખાસ સંવાદદાતા  
મુંબઈ, તા. 24 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ત્રિમાસિક પરિણામો, કંપની દ્વારા કરાયેલાં વિધાનો અને તાજેતરમાં આવેલા અહેવાલો--આ બધું બારીકાઈથી જોતાં એવી છાપ ઊભી થાય છે કે કંપની તેના બિઝનેસની કાયાપલટ કરવાના રસ્તે છે. ચૅરમૅન મુકેશ અંબાણીની નેતાગીરી નીચે કંપની ટેક્નૉલૉજી  આધારિત ક્ષેત્રોમાં જબરજસ્ત રોકાણ કરી રહી છે જેને પરિણામે આગામી સમયમાં આ ક્ષેત્રોમાં એ હરણફાળ ભરી શકશે અને પોતાનું આગવું સ્થાન બનાવી લેશે.   
જાન્યુઆરી-માર્ચ 2019 ત્રિમાસિકમાં રિલાયન્સનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉના આંકડા સામે 9.8 ટકા વધીને રૂા. 10,362 કરોડ થયો હતો જ્યારે આવક 19.4 ટકા વધીને રૂા. 1,54,110 કરોડ થઇ હતી. 2018-19ના વર્ષમાં નફો 13.1 ટકા વધીને રૂા. 39,588 કરોડ અને આવક 44.6 ટકા વધીને રૂા. 6,22,809 કરોડ થઇ હતી. 
વૈશ્વિક સ્તરે રિફાઇનિંગની પ્રવૃત્તિમાં માર્જિન ઘટી રહ્યું છે અને વધતા વ્યાજદરને કારણે નાણાકીય ખર્ચ પણ વધી રહ્યો છે ત્યારે રિલાયન્સનો નફો પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને ડિજિટલ બિઝનેસને કારણે વધ્યો છે એમ વિશ્લેષકોએ કહ્યું હતું. 
રિલાયન્સના ટેલિકૉમ બિઝનેસ જિઓએ છેલ્લા ત્રિમાસિકમાં રૂા. 840 કરોડનો નફો નોંધાવ્યો હતો જે 65.7 ટકાનો વધારો દેખાડે છે. વાર્ષિક ધોરણે નફો 300 ટકા વધીને રૂા. 2964 કરોડ થયો હતો. જિઓના વપરાશકારોની સંખ્યા 30 કરોડની ઉપર પહોંચી હોવાની માહિતી કંપનીએ આપી હતી. 
રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ હવે સૌથી મોટી અને સૌથી વધુ નફાકારક કંપની તરીકે ઊભરી છે. રિટેલ બિઝનેસમાં કંપનીનો નફો 77.1 ટકા વધીને રૂા. 1923 કરોડ થયો હતો. ત્રિમાસિકમાં કંપનીએ રિટેલ બિઝનેસમાં 510 સ્ટોરનો ઉમેરો કર્યો હતો અને આખા વર્ષમાં 2829 નવા સ્ટોર ખોલ્યા હતા. 10,000થી વધુ સ્ટોર ધરાવનાર આ પહેલી ભારતીય કંપની છે. તેની પાસે અત્યારે પોતાના 10,415 સ્ટોર છે. 
બીજી તરફ કંપનીના પેટ્રોકેમિકલ બિઝનેસમાં વિકાસ મંદ પડતો જણાયો હતો. પેટ્રોકેમિકલ ડિવિઝનની આવકમાં 11 ટકાનો વધારો અને નફામાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. 
વધુ મહત્ત્વની વાત છે કે કંપનીના નફામાં કન્ઝ્યુમર બિઝનેસનો હિસ્સો વધીને 24.6 ટકા થયો હતો જ્યારે રિફાઇનિંગ અને માર્કાટિંગનો હિસ્સો ઘટીને 26.3 ટકા થયો હતો. પેટ્રોકેમિકલ્સનો હિસ્સો વધીને 42.9 ટકા થયો હોવાનું કંપનીએ જણાંવ્યું હતું. આમ રિફાઇનિંગ અને માર્કાટિંગનો હિસ્સો ઘટ્યો છે. 
રિલાયન્સ સાઉદી અરેબિયાની કંપની આર્માકોને 25 ટકા શૅર વેચશે એવા જે સમાચાર હમણાં આવ્યા હતા એ વિષે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. આર્માકો પાસે દુનિયાના સૌથી વધુ તેલ ભંડાર છે અને રિલાયન્સને ક્રૂડતેલનો પુરવઠો સસ્તા ભાવે મળી રહે એવો આશય એની પાછળ હોઈ શકે. એ પણ શક્ય છે કે રિલાયન્સ પેટ્રોલિયમ પરના પોતાના અવલંબનને ઘટાડવા માગતી હોય.   
છેલ્લા થોડા સમયમાં રિલાયન્સે અન્ય કંપનીઓને હસ્તગત કરવાની જે જાહેરાતો કરી છે એ પણ સૂચક છે. રમકડાં, ગિફ્ટ આઇટમ્સ અને વિવિધ ગેમ્સમાં વિશ્વની ટોચની કંપની હેમલિઝને હસ્તગત કરવાની રિલાયન્સની યોજના હોવાના સમાચાર તાજેતરમાં ચમક્યા હતા. રિલાયન્સની રિટેલ વ્યૂહ રચનામાં આ બંધ બેસે એવી વાત છે. તાજેતરમાં કંપનીએ રિટેલ ક્ષેત્રમાં પાંખ ફેલાવવા માટે આઇટીસી પાસેથી જોન પ્લેયર્સ નામની બ્રાન્ડ હસ્તગત કરી હતી જે પુરુષોના ફેશન કપડાં માટે જાણીતી છે. બીજી તરફ રિલાયન્સે ઈથેન ગૅસની હેરફેર કરતા પોતાનાં છ જહાજો વેચી નાખવાની પણ જાહેરાત કરી છે. કંપની ઝડપભેર રિટેલમાં પ્રગતિ કરી રહી છે અને તેમાં કંપનીને પોતાનું ઉજ્જવળ ભાવિ દેખાતું હોય એમ લાગે છે. 
છેલ્લા બે વર્ષમાં રિલાયન્સે 27 કંપનીઓ હસ્તગત કરી છે અથવા રોકાણ કર્યું છે, પણ આ પહેલી જ વાર છે કે પેટ્રોલિયમ ક્ષેત્રમાં પોતાનો હિસ્સો ઘટાડવા કંપનીએ વિચાર કર્યો હોય. નિષ્ણાતો એને બિઝનેસની નવી વ્યૂહરચનાની શરૂઆત માને છે. આમાં રિલાયન્સની વિવિધ ગણતરીઓ હોઈ શકે જેમાં નવી પેઢીનો વિચાર પણ હોય. 
જાન્યુઆરી-માર્ચનાં ત્રિમાસિક પરિણામો જાહેર કરતી વેળા રિલાયન્સે તેના મીડિયા રિલીઝમાં ચૅરમૅન મુકેશ અંબાણીને ટાંક્યા છે. મુકેશ અંબાણીએ કહ્યું કે ગયા વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને ભવિષ્યની રિલાયન્સ કંપની બનાવવા તરફ મોટી ફાળ ભરી છે. આ સંદર્ભમાં અંબાણીએ રિલાયન્સ રિટેલ અને જિઓની વાત કરી છે જે બતાવે છે કે તેમની નજર રિટેલ અને ડિજિટલ ક્ષેત્રો પર છે. આ બે ક્ષેત્રોમાં કંપની બહુ મોટું રોકાણ પણ કરી રહી છે જેનો લાભ કંપની આગામી સમયમાં લઇ શકશે. 
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer