શૅરબજારમાં ખરીદી પાછી ફરી નિફટી 150 પૉઈન્ટ ઊછળ્યો

શૅરબજારમાં ખરીદી પાછી ફરી નિફટી 150 પૉઈન્ટ ઊછળ્યો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : એફએન્ડઓ એક્સ્પાયરીની સામે સતત ઘટાડે રહેલા શૅરબજારમાં આજે નોંધપાત્ર ઉછાળો જોવાયો હતો. એશિયાના બજારમાં ક્રૂડતેલના સતત વધતા ભાવની ચિંતાએ શૅરબજારો નબળાં રહ્યાં હતાં. આમ છતાં ભારતના બજારમાં એનએસઈમાં નિફટી શરૂઆતથી જ તેજી દર્શાવી ઉપરમાં 11601 ખૂલીને વધઘટે 11740 સુધીની ટોચે ગયો હતો, જે ટ્રેડિંગ અંતે 150 પૉઈન્ટ વધીને 11726 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 490 પૉઇન્ટ વધીને 39055ના સ્તરે બંધ આવ્યો હતો. બૅન્કિંગ, નાણાસેવા, ક્રૂડતેલ અને ઔદ્યોગિક સાથે ટેક્નૉલૉજી ક્ષેત્રે શૅરોમાં આજે નોંધપાત્ર સુધારો જોવાયો હતો. આજે એડવાન્સ ડિકલાઈન રેશિયો 1:1 આવવાથી બજાર જાણકારો હજુ તેજી આગળ વધવા માટે આશાવાદી બન્યા છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્ષ 65 અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં 61 પૉઈન્ટનો સુધારો નોંધાયો હતો. જ્યારે નિફટીના 50 મુખ્ય શૅરમાંથી 41ના ભાવ સુધારે અને 8 શૅર ઘટીને બંધ રહ્યા હતા. આજે પીએસયુ શૅર ઈન્ડેક્ષ 1.5 ટકા વધ્યો હતો. વ્યક્તિગત શૅર્સમાં ઈન્ડિયાબુલ્સ વેન્ચર 2 ટકા સુધારે રહ્યો હતો. બીએસઈમાં ટ્રેડ થયેલા 1232 શૅરના ભાવ વધવા સામે 1237 શૅર ઘટયા હતા. આજે ફાર્મા ઈન્ડેક્ષ ઘટાડે બંધ હતો. એસીસીની કમાણી અપેક્ષિત નહીં આવવાને લીધે શૅર 3.67 ટકા ઘટાડે રૂા. 1600 બંધ હતો, જ્યારે ઓએનજીસીનો ભાવ છ મહિનાની ટોચે ચાર ટકા ઉછાળે રૂા. 170 બંધ હતો. ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ફક્ત મુંબઈમાં તેના કામકાજનું કેન્દ્રીકરણ કરશે. જેથી શૅર ભારે વોલ્યુમ સાથે 10 ટકા ઊછળ્યો હતો. વૈશ્વિક બજારોમાં ક્રૂડતેલમાં તેજીથી સ્થાનિક ઉત્પાદકો ગેઈલ, ઓએનજીસીના ભાવ અનુક્રમે રૂા. 7 અને રૂા. 5 સુધર્યા હતા. જ્યારે આઈટી શૅરમાં મુખ્ય એચસીએલ ટેક્નો રૂા. 37, ટેક મહિન્દ્રા રૂા. 14, ટીસીએસ રૂા. 37, ઈન્ફોસીસ રૂા. 8 વધ્યા હતા. બજાજ અૉટો રૂા. 36 અને અલ્ટ્રાટેક સારા પરિણામની સંભાવનાથી રૂા. 196 વધ્યો હતો. બજાજ ફીનસર્વિસ રૂા. 143, એચડીએફસી બૅન્ક રૂા. 35, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 26, એલએન્ડટી રૂા. 13, ટાઈટનમાં રૂા. 19 વધ્યા હતા. બૅન્કિંગ શૅરમાં ઈન્ડસઈન્ડ રૂા. 48, યસ બૅન્ક રૂા. 6, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈમાં રૂા. પાંચ સુધર્યા હતા. એચડીએફસીમાં રૂા. 46નો સંગીન સુધારો થયો હતો, જ્યારે ભારતી ઍરટેલ રૂા. 8 વધ્યો હતો.
આજે સુધારા છતાં ઘટનારા મુખ્ય શૅરમાં બ્રિટાનિયા રૂા. 13, સિપ્લા રૂા. ત્રણ, હીરો મોટોકોર્પ રૂા. 26, તાતા મોટર્સમાં રૂા. 8 અને મારુતિમાં રૂા. 32 ઘટયા હતા. આજના પ્રત્યાઘાતી ઉછાળા છતાં વધુ તેજી માટે ટેક્નિકલી મહત્ત્વપૂર્ણ રેસિસ્ટન્ટ લેવલ 11752 અને 11805 ઉપર બંધ જરૂરી છે, એ ધ્યાને લેવું મહત્ત્વપૂર્ણ બનશે. બાકી ચુનંદા મોટા ગજાના ઈન્ડેક્ષ બેઝડ શૅરોમાં તીવ્ર વધઘટથી સૂચકાંકની અફડાતફડીમાં સરેરાશ શૅરોમાં ટ્રેડિંગ કરનારને નુકસાન થવાની શક્યતા વધુ રહેશે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer