સહકારી ખાંડ મિલોના સંગઠનના મતે સાકરનું ઉત્પાદન ઘટશે

સહકારી ખાંડ મિલોના સંગઠનના મતે સાકરનું ઉત્પાદન ઘટશે
નવી દિલ્હી, તા.24 : અૉક્ટોબરથી શરૂ થનારી આગામી ખાંડની સિઝનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી શકે છે, કારણ કે ચોમાસું સરેરાશ કરતા ઓછું રહેવા ધારણા હોવાથી શેરડીની ઊપજ ઉપર અસર પડશે, એમ નેશનલ ફેડરેશન અૉફ કો-અૉપરેટીવ સુગર ફેક્ટરીઝના મૅનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાઈકનવરેએ કહ્યું હતું. 
તેમણે કહ્યું કે, 2019-20માં મારા મતે ખાંડનું ઉત્પાદન ઘટશે. અત્યારે જોઈએ તો ઉત્પાદન ત્રણ કરોડ ટનથી ઓછું થશે. પરંતુ કેટલું ઘટશે તે સમય જતા ખબર પડશે. 
ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે જૂન-સપ્ટેમ્બરના સમયગાળામાં વરસાદ 96 ટકા પડશે, જ્યારે સ્કાયમેટના મતે સરેરાશ 93 ટકા પડશે. ઘણી આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓએ ભારતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની આગાહી કરી છે. સતત ત્રીજા વર્ષે ચોમાસું નબળું રહેવાથી શેરડીની વાવણી, ઊપજ અને તેમાંથી ખાંડની રિકવરી ઉપર અસર પડી શકે. 
ઉદ્યોગના ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આગામી સિઝનમાં ઉત્પાદન ઘટીને 2.7 કરોડથી 2.8 કરોડ ટન જેટલુ રહેશે. અન્ય નિષ્ણાતોની સરખામણીએ નાઈકનવરેનો ઉત્પાદનનો અંદાજ વધુ છે. તેમણે 2018-19 (અૉક્ટો-સપ્ટે.) માટે 3.23 કરોડ ટન ધાર્યો છે, જ્યારે ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશનના મતે 3.07 કરોડ ટન ઉત્પાદન થશે. નાઈકનાવરેએ કહ્યું કે, અત્યારસુધીમાં ઉત્પાદન 3.12 કરોડ ટન જેટલુ થયુ છે, જે ગયા વર્ષના 3.25 કરોડ ટન ઉત્પાદનથી સહેજ ઓછું છે. અમુક મિલોમાં શેરડીનું પિલાણ હજી ચાલુ છે.  મરાઠવાડા, સોલાપુર, અહમદનગર અને ખાનદેશ જેવા મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં વરસાદની અછત છે. આ વિસ્તારો રાજ્યના કુલ ખાંડના ઉત્પાદનમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. આ વિસ્તારોમાં શેરડીનું વાવેતર એક તૃતિયાંશ જેટલું ઘટી શકે છે. તેમણે કહ્યું કે, શેરડીની ચૂકવણીની બાકી રકમ વધુ હોવાથી ખેડૂતો અન્ય પાક તરફ વળી રહ્યા છે. ખેડૂતોની ચિંતા વધી છે. શેરડીમાંથી 12-15 મહિના સુધી ચૂકવણીની રાહ જોવા કરતા ખેડૂતો ટૂંકા ગાળામાં વધુ ટર્નઓવર આપતા પાક તરફ વળી રહ્યા છે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer