સોમવારે મતદાનના દિવસે મુંબઈના કેટલાક વિસ્તારોમાં

પાણી પુરવઠો બંધ રહે એવી પૂરેપૂરી શક્યતા

મુંબઈ, તા.24 : લોકસભાની ચૂંટણી માટે 29 એપ્રિલે મુંબઈની તમામ બેઠકો માટેનું મતદાન થવાનું છે અને આ માટે પાલિકાના કર્મચારીઓને ફરજ સોંપાઇ હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં 28 અને 29 એપ્રિલે પાણી પુરવઠો બંધ રહેશે. પાલિકામાં વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ પાલિકા કમિશનરને પત્ર લખીને મતદાનના બે દિવસો દરમિયાન પાણી પુરવઠો બંધ ન રાખવાની માગણી કરી છે. 
પાલિકાના એફ ઉત્તર વિભાગ અંતર્ગત કે ડી ગાયકવાડ નગર અને પાલિકા વસાહતમાં 28 અને 29 એપ્રિલના પાણી પુરવઠો બંધ રહેશે એવી સૂચના વૉર્ડ અૉફિસે સ્થાનિક નગરસેવકોને આપી છે. મેકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના જે કર્મચારીઓ વૉટર પંપ ચાલુ કરે છે તેમને ચૂંટણીમાં ફરજ સોંપાઇ હોવાથી આ બે દિવસ પાણી પુરવઠો નહીં આપી શકાય. જોકે સ્થાનિક નગરસેવકો અને વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ પાલિકા કમિશનર અજૉય મેહતાને પત્ર લખીને પાણી જીવનાવશ્યક હોવાથી મતદાનના દિવસે પણ પાણી પુરવઠો રાબેતા મુજબ આપી શકાય એ માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer