મુંબઈના ઉમેદવારોમાંથી ચાર નિરક્ષર અને 45 ગ્રેજ્યુએટ

છ મતદાર સંઘમાંથી કુલ 116 મુરતિયા જંગ લડી રહ્યા છે

મુંબઈ, તા. 24 : લોકસભાની ચૂંટણીમાં મુંબઈના છ મતદાર સંઘમાંથી કુલ 116 ઉમેદવાર જંગ લડવાના છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં સુશિક્ષિત મતદારોની સંખ્યા વધારે છે પણ તેમનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છતા ઉમેદવારોમાંથી ચાર નિરક્ષર છે જ્યારે 35 ઉમેદવારોનું શિક્ષણ જેમતેમ કરીને દસમા ધોરણ સુધી થયું છે. ગ્રેજ્યુએટ ઉમેદવારોની સંખ્યા 45 છે. 
કોઈપણ ચૂંટણી લડવા માટે અલ્પતમ શિક્ષણ કેટલું હોવું જોઈએ તેવી કોઈ શરત નથી. પણ ઉમેદવાર ઉચ્ચશિક્ષિત હોય તેવી મતદાતાઓની અપેક્ષા હોય છે. તેમ છતાં મુંબઈમાં ચૂંટણી જંગમાં ઊતરેલા ઉમેદવારોમાંથી ચાર ઉમેદવાર નિરક્ષર છે. તેમાંથી ત્રણ મહિલા ઉમેદવાર ગૃહિણી હોવાથી સામાન્ય લોકોના પ્રશ્નો વધારે સમજી શકશે તેવો તેમનો દાવો છે. જ્યારે 35 ઉમેદવારોએ તો ફક્ત દસમા ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું છે. ઉત્તર પશ્ચિમ મતદાર સંઘમાં આ ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે. ઉત્તર મધ્ય મુંબઈના તૃતીયપંથી ઉમેદવારે ટીવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. 
ઉચ્ચશિક્ષિત ઉમેદવારોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. દક્ષિણ મુંબઈના ડૉક્ટર અનિલકુમાર હૃદયરોગ ચિકિત્સક, દક્ષિણ મધ્ય મુંબઈના રાહુલ શેવાળે એન્જિનિયર, ઉત્તર મધ્ય મુંબઈના અબ્દુલ અંજારિયા એમકૉમ-પીએચડી, ઈશાન મુંબઈના દીપક શિંદેએ આઇઆઇટીમાંથી ઍમટૅક કર્યું છે. પ્રમુખ ઉમેદવારોમાં કોણે કેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે વિષે જાણીએ. ઉત્તર મુંબઈમાં ભાજપના ગોપાલ શેટ્ટી સાતમા ધોરણ સુધી અને કૉંગ્રેસના ઊર્મિલા માતોંડકરે 14 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ઉત્તર મધ્ય મુંબઈમાં ભાજપના પૂનમ મહાજને વોકેશનલ શિક્ષણ અને કૉંગ્રેસના પ્રિયા દત્તે બેચર્લસ ઈન આર્ટસ (બીએ) કર્યું છે. તો ઉત્તર પશ્ચિમ મુંબઈમાં શિવસેનાના ગજાનન કીર્તિકર અને કૉંગ્રેસના સંજય નિરૂપમ બન્ને પાસે બીએની ડિગ્રી છે. દક્ષિણ મધ્ય મુંબઈના શિવસેનાના રાહુલ શેવાળેએ સિવિલ એન્જિનિયરની ડિગ્રી લીધી છે અને કૉંગ્રેસના એકનાથ ગાયકવાડ બારમું પાસ છે.
 ઉત્તર પૂર્વમાં ભાજપના મનોજ કોટક દસમા સુધી ભણ્યા છે તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંજય દિના પાટીલ પાસે બીકૉમની ડિગ્રી છે. દક્ષિણ મુંબઈમાં શિવસેનાના અરવિંદ સાવંત અને કૉંગ્રેસના મિલિંદ દેવરા પાસે બીએસસીની ડિગ્રી છે. 
બધા ઉમેદવારોમાંથી ફક્ત 19 ઉમેદવારોએ સંપૂર્ણ મરાઠીમાં અરજી કરી છે. અચંબાની વાત છે કે એમાં શિવસેનાનો એકપણ ઉમેદવાર નથી. ફક્ત કૉંગ્રેસના એકનાથ ગાયકવાડ અને રાષ્ટ્રવાદીના સંજય દિના પાટીલે મરાઠીમાં અરજી ભરી છે. 
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer