ભાજપ પણ રાજ ઠાકરેને વીડિયોથી જવાબ આપશે

મુંબઈ, તા.24 : લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક પર ઉમેદવારી ન કરનારી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે પ્રચાર સભાઓમાં સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારની ટીકા કરી રહ્યા છે. રાજ ઠાકરેની મનસે સ્ટાઇલ પ્રચાર સભાઓમાં મેદની ઊમટે છે. તેનાથી ચોંકી ઊઠેલા ભાજપે હવે રાજ ઠાકરેને તેની જ ભાષામાં ઉત્તર આપવાનો નિર્ણય લીધો છે. રાજ ઠાકરે દરેક જાહેર સભાઓમાં મુદ્દાઓની છણાવટ માટે મોદી અને ભાજપના નેતાઓના ભાષણોની જૂની વીડિયો ક્લિપ્સ બતાડે છે, તેમ હવે ભાજપ પણ પ્રચાર સભાઓમાં રાજ ઠાકરેના જૂના ભાષણોની વીડિયો ક્લિપ્સ જનતા સમક્ષ લાવશે, એમ રાજ્યના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ આજે જણાવ્યું હતું. 
વિનોદ તાવડેએ રાજ ઠાકરેની ટીકા કરતા કહ્યું હતું કે જે સ્ટાઇલે રાજ ઠાકરે પ્રચાર કરે છે, તે સ્ટાઇલથી જ ભાજપ 27 એપ્રિલની સભામાં જવાબ વાળશે. રાજ ઠાકરે 27 એપ્રિલ બાદ પણ પ્રચાર કાર્ય ચાલુ રાખે એવી અમારી અપીલ છે કેમ કે રાજ ઠાકરેની ટુરિંગ ટૉકિઝથી જનતાનું મનોરંજન થાય છે. મનસેનો એક પણ ઉમેદવાર ચૂંટણીનાં મેદાનમાં નથી તેથી રાજ ઠાકરેની સ્ટેન્ડ-અપ કૉમેડી ચાલુ રહે એની સામે કોઇને વાંધો નથી.
ભાજપે જાહેરખબર પાછી ખેંચી લીધી
પ્રચાર સભાઓમાં સરકારના `ડિઝિટલ વિલેજ'ની પૉલ ખોલ્યા બાદ રાજ ઠાકરેએ કાલાચૌકીની સભામાં ભાજપના `મોદી હૈ તો મુમકીન હૈ' નારાની પોલ ખોલી હોવાની ચર્ચા છે. આ નારાની જાહેરખબરમાં ચિલે પરિવારનો ફોટો ભાજપે લીધો છે, તે પરિવારને રાજ ઠાકરે જનતા સમક્ષ લાવ્યા અને તેમણે મંચ પર જણાવ્યું કે ભાજપે આ ફોટો વાપરવા માટે અમારી મંજૂરી નથી લીધી. રાજ ઠાકરેના આ આક્રમક પોલ ખોલ અંદાજથી વડા પ્રધાન મોદીના `મોદી ફોર ન્યૂ ઇન્ડિયા' ફેસબુક પેજ સહિતના સોશ્યલ મીડિયામાંથી આ ફોટાવાળી જાહેરખબર રાતોરાત ગાયબ થઇ ગઇ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer