ગુરુવારે વારાણસીમાં મોદીના ભવ્ય રોડ શૉનું આયોજન

શુક્રવારે વડા પ્રધાન ઉમેદવારી પત્રક ભરશે
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 24 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલના શુક્રવારે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. આ માહિતી આપતાં ભાજપપ્રમુખ અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, ભવ્ય રોડ શૉ બાદ મોદીલહેર ભાજપના પક્ષમાં નિર્ણાયક સુનામીમાં ફેરવાઈ જવાની છે.
અમિત શાહે વારાણસીમાં મંગળવારે મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન બાદ જણાવ્યું હતું કે, 26 એપ્રિલના ઉમેદવારી પત્રક ભરતાં પહેલાં 25 એપ્રિલના બપોરના 3 વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કાશી લોકસભા ક્ષેત્રમાં ભાજપ તરફથી ભવ્ય રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત વાગે ગંગા આરતીમાં ભાગ લેશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, 26 એપ્રિલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેવતા કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી પત્રક ભરવા જશે.
વડા પ્રધાન દ્વારા ઉમેદવારી પત્રક ભરવાના કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, ભાજપ સંસદીય બોર્ડના સભ્યો, એનડીએના વરિષ્ઠ નેતાઓ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે, લોક જનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાન વગેરે હાજર રહેશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાને એક સાંસદ, સરકારના વડા અને દેશના વડા પ્રધાન તરીકે કાશીનો વિકાસ કર્યો છે અને વારાણસીએ આજે વિશ્વમાં તેનું ગરિમામય સ્થાન ફરીથી પ્રાપ્ત કર્યું છે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer