ગુજરાત બાદ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવશે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.24:કૉંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આજથી ઉત્તર પ્રદેશમાં લોકસભા માટે પ્રચાર કરશે. હાર્દિક પટેલ આજે વહેલી સવારે અમદાવાદથી ઉત્તર પ્રદેશ જવા રવાના થયા હતા. ગુજરાતમાં કૉંગ્રેસ માટે મોટાપાયે સભા સંબોધી અને પ્રચાર કર્યા બાદ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળેવનાર હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં પ્રચાર કરશે. તેઓ સોનિયા ગાંધીના મતક્ષેત્ર રાયબરેલીમાંથી પ્રચારનો પ્રારંભ કરશે. 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હાર્દિક પટેલ કાયદાકીય ગુંચના કારણે ચૂંટણી લડી શક્યા ન હોવાથી હવે તેઓ દેશભરમાં કૉંગ્રેસના પ્રચાર માટે નીકળી ગયા છે. હાર્દિક પટેલનું કહેવું છે કે, તેમને ભાજપે ચૂંટણી લડતા અટકાવ્યા છે તેથી તે હવે સમગ્ર દેશમાં ફરીને ભાજપની વિરુદ્ધ પ્રચાર કરશે. હાર્દિકના આ પ્રચારથી કૉંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપને કેટલું નુકસાન થશે તે તો ચૂંટણીના પરિણામો બાદ જ જાણી શકાશે, પરંતુ હાલમાં ગુજરાતથી નીકળી હાર્દિક રાષ્ટ્રીય રાજનીતિ તરફ ડગ ભરી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. 
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer