ગુજરાતમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.24: ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીએ જોર પકડયું છે.  હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં 26થી 28 એપ્રિલ દરમિયાન ગરમ પવનો ફૂંકાશે. ભારે ગરમીના કારણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 26 એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શકયતા છે. 
રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોના કારણે ઉનાળો આકરા પાણીએ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે શહેરનો પારો ઊંચો જઇ રહ્યો છે. 22 એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે અને તેના પગલે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં પણ ગરમ પવનો ફૂંકાશે. આવનારા દિવસોમાં તાપમાન 43થી 44 સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સામાન્ય રીતે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતો હોય છે જેને રેડ એલર્ટ ગણવામાં આવે છે. જોકે, 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચતા જ લોકોને બહાર નીકળવું મુશ્કેલ પડી જાય છે ત્યારે લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને જ્યુસ, ગોળાનો સહારો લઇ રહ્યો છે. ખાસ કરીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ગરમીને પગલે પાણી અને અન્ય સુવિધાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer