વડા પ્રધાન મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદમાં

ચૂંટણી પંચે આપી ક્લીન ચિટ
 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.24: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન હાઈ સ્કૂલમાં મતદાન કર્યા પછી અને પહેલા ખુલ્લી જીપમાં આવીને અને જતી વખતે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ સંદર્ભે ચૂંટણી પંચે ક્લીન ચિટ આપી દીધી છે. ચૂંટણી પંચનું માનવું છે કે, લોકસભાના ત્રીજા તબક્કામાં મતદાન માટે અમદાવાદ આવેલા વડા પ્રધાન મોદીએ આચારસંહિતાનું કોઇ ઉલ્લંઘન કર્યું નથી. 
ઉલ્લેખનીય છે કે, મંગળવારે વડા પ્રધાન મોદી મત આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. સૌથી પહેલા તેઓએ પોતાની માતા સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેઓ ખુલ્લી જીપમાં મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા.  નરેન્દ્ર મોદીને જોવા માટે મણિનગરથી રાણીપ સુધી લોકો આવ્યા હતા. રસ્તા પર તેમને જોવા માટે અંદાજે પોણો કિલોમીટરથી પણ લાંબી લાઇનો રસ્તાની બન્ને તરફ લાગી હતી. મકાનની ગેલેરીઓમાં અને ટેરેસ પર લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. મત આપ્યા બાદ વડા પ્રધાન મોદી થોડા ડગલા ચાલીને લોકોનું અભિવાદન કર્યું, ત્યારબાદ ખુલ્લી જીપમાં જઇને દોઢસો મીટર આગળ જઇને મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. આ સંજોગોમાં તેમના પર આચારસંહિતાનો ભંગનો કૉંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન જાણીબુઝીને આચારસંહિતાનો ભંગ કરે છે, તેથી તેમની સામે તત્કાળ પગલાં લેવાની માગણી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. તેમના પર 48 થી 72 કલાકનો પ્રચાર કરવા પરનો પ્રતિબંધ મુકવાની માગણી કરવામાં આવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer