મતદારોની આંગળી પર ટપકું મૂકનાર સ્ટાફના આંગળા પર થઈ શાહીની આડઅસર

મતદારોની આંગળી પર ટપકું મૂકનાર સ્ટાફના આંગળા પર થઈ શાહીની આડઅસર
પરભણી, તા. તા. 24: ચૂંટણીમાં મતદારની આંગળી ઉપર શાહી લગાડવાનું કર્મચારીને મોંઘું પડયું છે. દિવસભર મતદાન કેન્દ્રમાં શાહી લગાડયા પછી રાત્રે તેને ત્રણ આંગળીમાં બળતરા થવા માંડી હતી ત્યારપછી તેમને તત્કાળ દવાખાનામાં લઈ ગયા હતા પણ રાહત મળી નહોતી. પરભણીમાં તેઓને નિષ્ણાત તબીબો પાસે સારવાર શરૂ કરવી પડી હતી. તેના લીધે તબીબોએ અન્ય કર્મચારીઓને શાહી લગાવતી વેળાએ તકેદારી રાખવાની અપીલ કરી હતી.
પરભણી લોકસભા મતદાર સંઘમાં 18મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. છ વિધાનસભા ક્ષેત્રમાં 2174 મતદાન કેન્દ્ર ઉપર મતદાન થયું હતું. તે સમયે જીતુંર તાલુકામાં બલસા મતદાર કેન્દ્ર સહાયક કેન્દ્ર પ્રમુખ તરીકે દત્તારામ રાઉતની નિમણૂક કરવામાં આવી હતી. મતદાન કરતાં પહેલાં પ્રત્યેકની આંગળી ઉપર શાહી લગાડવાનું કામ તેમની પાસે હતું. તે અનુસાર સવારથી સાંજ ચૂંટણીની ફરજ પૂરી કરી હતી.
તે કામગીરી દરમિયાન જમણા હાથનો અંગૂઠો અને બે આંગળીઓ શાહીથી રંગાઇ ગઈ હતી. કામ કરતી વખતે કોઈ સમસ્યા નડી નહી પરંતુ ઘરે પહોંચ્યા પછી રાત્રે આંગળીઓ દુખવા માંડી હતી. જીતુંરના સ્થાનિક તબીબને દેખાડવામાં આવ્યું હતું પણ તેમની દવાથી રાહત મળી નહોતી. તેથી પરભણીમાં ત્વચારોગ નિષ્ણાત ડૉ. જોગડને દેખાડવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું શાહીમાંના રસાયણને લીધે આ તકલીફ ઊભી થઈ છે. થોડા દિવસમાં આ તકલીફ દૂર થશે એમ તેમણે ઉમેર્યું હતું.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer