શેખર તિવારી હત્યા કેસ એકરાર કરનાર પત્ની અપૂર્વાની ધરપકડ

શેખર તિવારી હત્યા કેસ એકરાર કરનાર પત્ની અપૂર્વાની ધરપકડ
નવી દિલ્હી, તા. 24: યુપી અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનાં મૃત્યુની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચની એસઆઈટીના અધિકારીઓએ રોહિતની પત્ની અપૂર્વા શુક્લની ધરપકડ હત્યાના આરોપસર કરી છે. અપૂર્વા વિરુદ્ધ સંગીન પુરાવા મળી આવ્યાનું જણાવતી દિલ્હી પોલીસે શેખરની હત્યાનો ભેદ ઉકેલાયાનો દાવો કર્યો છે. અપૂર્વાએ ગુનાનો એકરાર કરી લીધો હોવાનું જણાવી દિલ્હી પોલીસના અતિરિક્ત સીપી રાજીવ રંજને જણાવ્યું હતું કે તેઓનાં વૈવાહિક જીવનમાં ભારે તણાવ ચાલી રહ્યો હતો અને શેખરની શરાબ પીવાની આદત સબબ બેઉ વચ્ચે ઝઘડા થતા રહેતા. રોહિત અને તેનો પરિવાર અપૂર્વા સાથે છૂટાછેડા લેવાના મતના હતા. હત્યા બાદ પ્રથમ નેવું મિનિટમાં અપૂર્વાએ પુરાવા ભૂંસવા અને પછી જાંચમાં પોલીસને ગુમરાહ કરવા કોશિશ કરી હતી, એમ એસઆઈટીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડના કાઠગોદામમાં તા.12મીએ મતદાન કરી આવ્યા બાદ તા.1પમીએ પાછા ફરતી વેળા કારમાં અને ઘેર પરત આવીને ય મહિલા આપ્તજન સાથે શેખર શરાબ પીતા રહ્યા તે કારણસર અપૂર્વા સાથે ખાસો ઝઘડો થયો હતો.
ક્રાઈમ બ્રાંચ જણાવે છે કે રોહિતના પીએમ રીપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેમનું મૃત્યુ મોં-હાથ અને ગળું દબાવી દેવાનાં કારણે થયું છે. તેની ટીમે 4 દિવસ સુધી કરેલી છાનબીન અને મોજુદ તમામની પૂછપરછ બાદ જાંચમાં સ્પષ્ટ થયું કે અપૂર્વાએ જ શેખરનું મોં-હાથ દબાવીને અને ગળું ઘોટીને હત્યા કરી છે. શનિ, રવિ અને સોમવારે એસઆઈટીએ દસ કલાક સુધી અપૂર્વાની પૂછપરછ કરી હતી અને બે ઘરનોકરોની ય પૂછપરછ કરી હતી.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer