100 કિલો મોરપીંછનો જથ્થો પકડાયો

100 કિલો મોરપીંછનો જથ્થો પકડાયો
ચોરીછૂપીથી એ દુબઈ લઈ જવાતો હતો
 
ઍરપોર્ટ પર ચાર પ્રવાસીની ધરપકડ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.24 : સોમવારે મુંબઈ કસ્ટમ્સ વિભાગના ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)એ આંતર રાષ્ટ્રીય ઍરપોર્ટ પર દુબઇ જઇ રહેલા ચાર પ્રવાસી પાસેથી મળીને લગભગ 100 કિલો મોરપીંછ જપ્ત કર્યા હતા. મુંબઈમાં દાણચોરો પાસેથી પકડાયેલો આ સૌથી મોટો મોરપીંછનો જથ્થો હોવાનું મહારાષ્ટ્રના વન વિભાગે જણાવ્યું હતું. વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના જણાવ્યા પ્રમાણે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ (ડબ્લ્યુપીએ), 1972 અંતર્ગત મોર સુરક્ષિત પક્ષીઓની પ્રજાતિમાં સમાવિષ્ઠ છે અને મોરપીંછની આયાત-નિકાસ પર દેશના એક્સપોર્ટ-ઇમ્પોર્ટ નીતિ અંતર્ગત પ્રતિબંધ છે. જોકે, પક્ષીઓના કુદરતી પીંછાનો વેપાર ડબ્લ્યુપીએ અંતર્ગત કોઇ ગુનો નથી ગણાતો.
એઆઇયુના ડેપ્યુટી કમિશનર વિઘ્નેશ એસના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશના ત્રણ અને કેરલનો એક મળીને દુબઇ જઇ રહેલા ચાર પ્રવાસીઓને કસ્ટમ્સ વિભાગે આંતરીને તપાસ કરતા કુલ છ બૅગમાંથી મોરપીંછનો આ જથ્થો પકડાયો હતો. મોરપીંછનો આ જથ્થો વધુ તપાસ માટે વન વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો. જોકે, વન વિભાગના થાણે રેન્જના અધિકારી જિતેન્દ્ર રામગાંવકરના જણાવ્યા પ્રમાણે ડબ્લ્યુપીએની કલમો હેઠળ પીંછા બાકાત હોવાથી આ ચારેય પ્રવાસીઓની અટક કે ધરપકડ ન થઇ શકે પરંતુ તેમણે અમને મોરપીંછની હેરાફેરી અને સ્ત્રોત સંબંધી કેટલીક બાતમી આપી છે, જેની તપાસ શરૂ કરાઇ છે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer