દલિત નેતા ઉદિત રાજ ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાયા

દલિત નેતા ઉદિત રાજ ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાયા
કૉંગ્રેસે સરકારના દલિતવિરોધી વલણના મુદ્દાને ઉછાળ્યો

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 24 : દલિત નેતા ઉદિત રાજ બુધવારે ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયા બાદ કૉંગ્રેસે સરકારના દલિતવિરોધી વલણને ઉછાળ્યો હતો. કૉંગ્રેસમાં જોડાયા બાદ ઉદિત રાજે જણાવ્યું હતું કે ભાજપ દલિતવિરોધી છે અને હું દલિતોને ટેકો આપું તે ઈચ્છતો નથી. મેં ભારતબંધ ઝુંબેશને ટેકો આપ્યો તે તેમને ગમ્યું નહોતું એમ ઉદિત રાજે જણાવ્યું હતું.
ઉદિત રાજે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમને દલિત મતો જોઈએ છે, પરંતુ દલિત નેતા જોઈતો નથી. ઉદિત રાજે જણાવ્યું હતું કે ભાજપે તેમને પક્ષ છોડવાની ફરજ પાડી હતી અને ટિકિટોનું વિતરણ કામગીરીને આધારે કરવામાં આવ્યું નહોતું.
ઉદિત રાજે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે `રાહુલ ગાંધીએ મને અગાઉ બોલાવ્યો હતો. તેમને મારા પ્રત્યે કુદરતી પ્રેમ છે. તેમને મને કહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં હતો.
દલિતવિરોધી વલણ માટે મોદી સરકાર પર પ્રહાર કરતાં કૉંગ્રેસના રણદીપ સુરજેવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દલિતો અને આદિવાસીઓ જેવા નબળા વર્ગો સામે દમન અને અત્યાચાર કરવાનું ભાજપ-આરએસએસનું સ્વાભાવિક વલણ રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારે અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હોય એવો પૂર્વગ્રહ દલિતો અને આદિવાસીઓ પ્રત્યે રાખ્યો છે. લોકોએ હવે વડા પ્રધાન મોદી અને તેમની દમનકારી સરકારને દરવાજો દેખાડવાનું મન બનાવી લીધું છે.
એસસી અને એસટી (પ્રિવેન્શન અૉફ એટ્રોસિટી) એક્ટ 1989ને હળવો કરવાનું પગલું આ ઊંડા ઊતરી ગયેલા પૂર્વગ્રહનું પરિણામ છે. આ ધારાને હળવો કરવાની ભાજપની આ ગંદી યુક્તિની સૌ પ્રથમ કૉંગ્રેસને જાણ થઈ હતી. આને કારણે ભાજપને ત્રણ રાજ્યોમાં સત્તા ગુમાવવી પડી હતી અને ત્યાં કૉંગ્રેસે સત્તામાં આવ્યા બાદ એસસી-એસટી ધારાને મજબૂત બનાવ્યો હતો એમ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
ભાજપના પાંચ સાંસદોએ જાહેરમાં વડા પ્રધાન મોદી સમક્ષ તેમનો અસંતોષ જાહેર કર્યો હતો. દિલ્હીમાંથી ઉદિત રાજ, બહરૈચમાંથી સાવિત્રીબાઈ ફૂલે, રોબર્ટગંજમાંથી છોટેલાલ ખારવર, ઇટાવા ખાતેથી અશોકકુમાર દોહરે એસસી-એસટી સમુદાય સાથે કરાતા ખરાબ વહેવાર અંગે ગુસ્સો અને અસંતોષ પ્રગટ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સમુદાયો માટે છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારે કશું જ કર્યું નથી.
સાવિત્રીબાઈ ફૂલે અને અશોકકુમાર દોહરે હાલ કૉંગ્રેસમાં છે. ભાજપે છોટેલાલ ખારવર અને દલિત ચહેરા વિજય સંપલાને ટિકિટ આપી નહોતી. આ બતાવે છે કે ભાજપ દલિતો સાથે કેવો વહેવાર કરે છે એમ સુરજેવાલાએ જણાવ્યું હતું.
કૉંગ્રેસે મોદી સરકારના દલિતવિરોધી વલણના અન્ય ઉદાહરણો પણ આપ્યાં હતાં.
  • કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદીયુરપ્પાએ દલિતના ઘરે જમવાનું પોતાની શાનથી વિરુદ્ધ હોવાનું જણાવીને હોટેલમાંથી ભોજન મગાવ્યું હતું.
  • કેન્દ્રીય પ્રધાન અનંતકુમારે બેલ્લારીની મુલાકાત દરમિયાન દલિતો દ્વારા વિરોધ કરાયો ત્યારે `ભસતા કૂતરા' કહીને દલિતોનું અપમાન કર્યું હતું.
  • ઉના, ગુજરાતમાં દલિત યુવાનોને ફટકા મારવામાં આવ્યા હતા.
  • દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
  • કેન્દ્રીય પ્રધાન વી. કે. સિંહે દલિત બાળકોને કૂતરા સાથે સરખાવ્યાં હતાં.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer