વીવીપેટ વાપરી 50 ટકા ઈવીએમ કાઉન્ટરચેકની માગણી સાથે વિપક્ષો ફરી સુપ્રીમ કોર્ટમાં

વીવીપેટ વાપરી 50 ટકા ઈવીએમ કાઉન્ટરચેકની માગણી સાથે વિપક્ષો ફરી સુપ્રીમ કોર્ટમાં
નવી દિલ્હી, તા. 24: મતગણતરીમાં પારદર્શકતા અંકે કરવા વીવીપેટ મશીન વાપરી ઓછામાં ઓછા પચાસ ટકા ઈવીએમને કાઉન્ટરચેક (ખરાઈ) કરવાની માગણી સાથે 21 વિપક્ષોએ સર્વોચ્ચ અદાલતમાં આજે ધા નાખી હતી. હાલની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં કથિત ખામીઓ હોવાનો આક્ષેપ કરનાર વિપક્ષોએ આ બારામાં ચૂંટણી પંચને દોરવણી આપવા માગણી કરી છે. આ બારામાં ગઈકાલે યોજાએલી સંયુક્ત પત્રકાર પરિષદને કોંગ્રેસ, ટીડીપી, એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, આપ, સીપીએમ અને સીપીઆઈના કેટલાક નેતાઓએ સંબોધી હતી.
ઈવીએમ હેકિંગ અને પ્ર્ર્રોગ્રામિંગ ત્રૂટીઓનો ભોગ બને તેવા(વલ્નરેબલ) હોય છે એવો આક્ષેપ કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા એન. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે ઈવીએમ વિશે અમને ગંભીર શંકાઓ છે. હું ટેકનોલોજીનો મજબૂત ટેકેદાર છું પરંતુ આજે ટેકનોલોજી ઘણી વલ્નરેબલ છે. દર છ માસે ટેકનોલોજી બદલાતી રહેતી હોય છે. તેમાં તકનિકી સમસ્યાઓ, વલ્નરેબિલિટી અને ગરબડગોટાળા હોય છે. સૌથી વધુ વસતિવાળા દસ દેશો પૈકી માત્ર ત્રણ જ ઈવીએમ વાપરે છે, વળી આ દેશો ય તકનિકી રીતે મજબૂત નથી, એમ જણાવી નાયડુએ ઉમેર્યું હતું કે રશિયન હેકર્સને હેકિંગમાં સંડોવી શકાય છે. એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે `નાગરિકો મોદીનાં નેતૃત્વવાળી સરકાર બદલવાના મિજાજમાં છે, ઈવીએમ સાથેની હાથચાલાકી જ એકમાત્ર ચિંતાજનક પરિબળ છે. અમારી એકમાત્ર ચિંતા ચૂંટણી સાથે ચેડા કરવા ટેકનોલોજી કોઈક ગેરઉપયોગ કરે તે સંબંધે છે. અમારી ચિંતા આ મશીનો મારફત હાથચાલાકી કરવામાં આવે તેની છે.'
સીનિયર કોંગ્રેસી નેતા સુશીલકુમાર શિંદે, આપના સંજય સિંહ, ટીએમસીના સાંસદ નદીમુલ હક અને સીપીએમના મહેન્દ્રસિંહ પણ પત્રકાર પરિષદમાં બોલ્યા હતા.
સપાના વડા અખિલેશ યાદવે એવો આક્ષેપ ટ્વિટ કર્યો હતો કે કેટલાક વિસ્તારોમાંના ઈવીએમ ભાજપની તરફેણમાં પડતા મતો નોંધતા હતા. દેશભરના ઈવીએમ બરાબર કામગીરી બજાવતા નથી અથવા ભાજપને મત અપાવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટો કહે છે, ચૂંટણી અધિકારીઓ ઈવીએમ ઓપરેટ કરવાને તાલીમ પામેલા નથી. 350થી વધુને બદલવા પડયા. આ એક ગુનાઈત બેદરકારી છે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer