નિવૃત્તિ નહીં, જવાબદારી નિભાવવી એ જ મારું જીવન : નરેન્દ્ર મોદી

નિવૃત્તિ નહીં, જવાબદારી નિભાવવી એ જ મારું જીવન : નરેન્દ્ર મોદી
અક્ષય કુમારને વડા પ્રધાને આપ્યો બિનરાજકીય ઈન્ટરવ્યુ

નવીદિલ્હી, તા.24 : દેશની લોકસભાની ચૂંટણી અડધે પહોંચી ગઈ છે. તેવાં સમયે કોઈપણ રાજનેતાનો ઈન્ટરવ્યુ આવે તો સામાન્ય રીતે તેમાં રાજકીય ચર્ચા સિવાય બીજી કોઈ બાબતને અવકાશ હોતો નથી. જો કે બોલીવૂડનાં ખિલાડી એટલે કે અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમની સાથે એક બિનરાજકીય ઈન્ટરવ્યુ લીધો હતો. જે સોશિયલ મીડિયામાં ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. આ મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ પોતાનાં અંગત જીવનની ઘણી ખાટીમીઠી વાતો કરી હતી. તેનાં પ્રમુખ અંશો અત્રે પ્રસ્તુત છે.
પ્ર : તમે કેરી ખાવ છો ? 
જ : હા હું ખાવ છું, કેરી પણ ખાવ છું અને રસ પણ પીવું છું મને ઝાડ પર પાકેલી કેરી ખાવાનો શોખ હતો, એ સમયે હાઇજીનની સમજ પણ નહોતી એટલે કેરી સીધી તોડી અને ખાઈ લેતો હતી. હવે મારે કંટ્રોલ કરવો પડે છે. 
અક્ષય : તમે કેવી રીતે પરિવારથી દૂર રહી શકો છો? 
મોદી: હું મારી જિંદગીની નાની ઉંમરમાં જ બધુ છોડી ચૂક્યો છું. મારી માતા તો મને કહે છે કે, મારી પર કેમ સમય બરબાદ કરે છે. આમ પણ આવી જીંદગીની હવે આદત પડી ગઈ છે.
અક્ષય : સંન્યાસ ક્યારે લેશો? 
મોદી: એક દિવસ પક્ષના નેતાઓ વચ્ચે બેઠક હતી. બેઠકમાં અટલજી, અડવાણીજી, રાજમાતા સિંધિયાજી અને પ્રમોદ મહાજન હાજર હતા. આ બેઠકમાં સૌથી નાનો હું હતો. આ સમયે નિવૃત્તિ પછી શું કરવું તેની વાતચીત ચાલી રહી હતી. આ સમયે મેં કહ્યું કે, જવાબદારી જ મારૂ જીવન છે, મને કલ્પના પણ નથી થતી કે મારે કોઈ દિવસ નિવૃત્ત થવાની જરૂર પડશે.
અક્ષય : આજે બેંક બેલેન્સ કેટલું? 
મોદી : મુખ્યમંત્રી બન્યા સુધી મારૂ કોઈ બેન્કમાં ખાતું ન હતું. નાનો હતો ત્યારે સ્કૂલમાં દેના બેંકની બ્રાંચ ખુલી હતી, ત્યારે દરેક બાળકોને દેના બેન્કે ગલ્લો આપ્યો હતો. ત્યારે મેં પણ ગલ્લો લીધો હતો. પરંતુ મારી પાસે તો પૈસા જ ન હતા તો શું આવે. બેંકે ખાતું તો ખોલી દીધું પણ પૈસા જ ન હતા તો શું જમા કરાવું. હું સીએમ બન્યો ત્યારે પગાર આવ્યો એટલે ખાતું ખુલી ગયું હતું. 
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer