સીજેઆઈને સપડાવવાના ષડયંત્રમાં સત્ય બહાર લાવવું જ રહ્યું સુપ્રીમ કોર્ટ

સીજેઆઈને સપડાવવાના ષડયંત્રમાં સત્ય બહાર લાવવું જ રહ્યું સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, તા. 24 (પીટીઆઈ) : મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર કરાયેલા યૌન ઉત્પીડનના આરોપને કથિતપણે ષડયંત્ર ગણાવવા અને સનસનીખેજ દાવાઓની વિગતે તપાસ કરીને મૂળ સુધી જવાનો ફેંસલો દેશની સર્વોચ્ચ અદાલતે કર્યો છે. કાલે ગુરુવારે સુનાવણી થશે.
ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાના વડપણવાળી ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠે બુધવારે જણાવ્યું હતું કે, દાવા મુજબ જો ફિક્સર પોતાના હિસાબે ન્યાયતંત્ર સાથે છેડછાડ કરતા રહેતા હોય તો પછી આ સંસ્થા કે અમે કોઇપણ બચી નહીં શકીએ.
મિશ્રા ઉપરાંત ન્યાયમૂર્તિ આર. એફ. નરીમન અને દીપક ગુપ્તાની ખંડપીઠે સમગ્ર મામલામાં ષડયંત્રનો દાવો કરનારા વકીલ ઉત્સવસિંહ બૈંસને આવતીકાલ ગુરુવારની સવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આજે સુનાવણી દરમ્યાન બૈંસે કહ્યું હતું કે, તેમની પાસે આ કારસાને સાબિત કરવા માટે કેટલાક વધુ નક્કર પુરાવા છે. ત્યારબાદ કોર્ટે સોગંદનામું આપવા જણાવ્યું હતું.
ન્યાયપાલિકાની સિસ્ટમમાં ફિક્સિંગની કોઇ ભૂમિકા નથી. અમે તેની તપાસ કરીશું અને તાર્કિક અંત સુધી લાવીશું તેવું ખંડપીઠે ઉમેર્યું હતું.
અગાઉ સીબીઆઇ, આઇબી અને દિલ્હી પોલીસના અધ્યક્ષો સાથે બેઠક કર્યા બાદ ફરી બપોરે ત્રણ વાગ્યે મળેલી બેન્ચે સુનાવણી કરતાં તપાસ કરાશે તેવું કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં ફિક્સિંગ સર્કલ છે કે નહીં? જો આ પ્રકારના સોગંદનામાને નજરઅંદાજ કરાય તો દેશ ન્યાયપાલિકામાં વિશ્વાસ ખોઇ દેશે તેવું ખંડપીઠે જણાવ્યું હતું.
અદાલતની પૂર્વ મહિલા કર્મચારીનું પ્રતિનિધિત્વ કરતો અને પોતાને અજય નામે ઓળખાવતા શખસે સીજેઆઈ વિરુદ્ધની પત્રકાર પરિષદ પ્રેસ કલબમાં ગોઠવી આપવા રૂ. દોઢ કરોડની ઓફર કર્યાનું બેઈન્સે સોગંદનામામાં જણાવ્યું છે. અમે જણાવશું કે આ તપાસને અન્ય સાથે કોઈ લેવાદેવા નથી. બેઈન્સને કયો શખસ મળવા ગયો હતો તે અમે ખોળવા માગીએ છીએ.
સીજેઆઈની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા તેમને ફસાવવામાં આવી રહ્યા છે એમ કહેનાર બેઈન્સને બેન્ચે પૂછયું કે તમારે શું કહેવું છે ? જવાબમમાં બેઈન્સે જણાવ્યું કે મેઁ સીલબંધ કવરમાં બધી સામગ્રી આપી છે, તેમ જ તેમાં રહેલી સીસીટીવી ફૂટેજ સમગ્ર કથનીનું બયાન કરે છે. એક ઔદ્યોગિક જૂથ સીજેઆઈને ફસાવવાની સાજીશ પાછળ છે. 
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer