ડેવલપર્સ ખરીદદારોનાં ફંડના 70 ટકા લોન ચૂકવવામાં ન વાપરી શકે

ગુરગાંવ/નોઈડા, તા. 25 : હરિયાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (એચઆરઈઆરએ) અને યુપી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (યુપીઆરઈઆરએ)એ આદેશ આપ્યો હતો કે કોઈ પણ ડેવલપર્સે પ્રોજેક્ટના ખરીદદારો અને એલોટીઝ પાસેથી લીધેલી કુલ રકમના 70 ટકાનો વપરાશ કરી બૅન્કો અને નાણાંકીય સંસ્થાઓને લોનની ચુકવણી કરવી નહીં. આ રકમ બાંધકામ પૂર્ણ કરવા તેમ જ જમીન ખર્ચને પહોંચી વળવા માટે રાખવામાં આવી હોવાનું રેગ્યુલેટરી અૉથોરિટીએ જણાવ્યું હતું.
ગુરગાંવના એક કેસમાં એચઆરઈઆરએની લોકલ બેન્ચે પોલીસ કમિશનરને ખરીદનારાઓનાં 70 ટકા નાણાં વાપરી નાખવા બદલ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિ., ઇન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા લિ. અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ લિ.ની સામે ક્રિમિનલ કેસ નોંધાવવાનો આદેશ આપ્યો હતો.
એચઆરઈઆરએના વડા કે. કે. ખંડેલવાલે જણાવ્યું હતું કે તેવા પ્રકારનો તે સંભવત: પ્રથમ જ નિર્ણય હશે, જેમાં તેણે પોલીસને એવો સંદેશ આપ્યો હતો કે પોલીસ રિયલ્ટી પ્રોજેક્ટના ફાઈનાન્સરો સામે કાર્યવાહી કરે. અૉથોરિટીએ એ હકીકતની ગંભીર નોંધ લીધી હતી કે ધિરાણ સંસ્થાઓ ખોટી રીતે અને મનફાવે તેમ રેરા ખાતામાં જમા 100 ટકા રકમનો અન્યત્ર ઉપયોગ કરે છે જે રેરા, 2016ની કલમ 4(2) (1) (ડી)નો ઉલ્લંઘન કરનારી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer