સમયના અભાવે મુંબઈમાં રાહુલનો રોડ શો રદ

સમયના અભાવે મુંબઈમાં રાહુલનો રોડ શો રદ
મુંબઈ, તા. 25 : કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો મુંબઈમાં થનારો રોડ શો કૉંગ્રેસે રદ કર્યો છે. હવે મુંબઈમાં મતદાન પહેલાં ન તો રાહુલનો રોડ શો થશે અને ન તો સભા.
મુંબઈમાં 29 એપ્રિલે મતદાન છે. કૉંગ્રેસની આ પહેલાં મુંબઈમાં પક્ષના અધ્યક્ષની એક મોટી સભા અને રોડ શો કરવાની યોજના હતી. મુંબઈમાં લોકસભાની છ બેઠકો છે. અહીં થનારી કોઈ મોટા નેતાની સભા કે રોડ શોની અસર મુંબઈ ઉપરાંત પડોશમાં થાણે, કલ્યાણ, ભિવંડી અને પાલઘરની બેઠકો પર પણ પડી શકે છે. મુંબઈમાં છમાંથી પાંચ બેઠકો કૉંગ્રેસ લડી રહી છે, જ્યારે ઉત્તર પૂર્વ મુંબઈની એક બેઠક રાષ્ટ્રવાદી લડી રહી છે.
મુંબઈ કૉંગ્રેસે પહેલાં 25મી એપ્રિલે મુંબઈમાં રાહુલ ગાંધીની સભા કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેના માટે સંગઠન કોઈ ઉચિત સ્થળની વ્યવસ્થા કરી શક્યું હતું નહીં. આ પછી પક્ષે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સંયુક્ત રોડ શોની યોજના બનાવી હતી. રોડ શો એ પાંચ લોકસભા મતદાર ક્ષેત્રમાં થવાનો હતો જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર લડી રહ્યા છે.
પક્ષનું અનુમાન હતું કે રોડ શો લગભગ છ કલાક ચાલશે જેથી મુંબઈમાં પક્ષ માટે સારો માહોલ બની શકે. જોકે આમાં પક્ષ સમક્ષ બે મુશ્કેલી હતી - એક તો રાહુલ ગાંધી દ્વારા ફક્ત બે કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો અને પ્રચાર પૂરો થવાના બરાબર બે દિવસ પહેલાં બધા ઉમેદવારોના છ કલાક રાહુલના રોડ શોમાં ખર્ચ કરવા પક્ષને ઉચિત લાગતું હતું નહીં. તેને લઈ રોડ શોની યોજના રદ કરવામાં આવી છે.
રાહુલની સભા અને રોડ શો ન થવા પર પક્ષમાં દબાતા સ્વરે ચર્ચાનો સૂર એવો છે કે આ માટે પક્ષ અંતર્ગત કલહ જવાબદાર છે.

Published on: Thu, 25 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer