સાધ્વી પ્રજ્ઞાને હરાવવા મોટો મોરચો

સાધ્વી પ્રજ્ઞાને હરાવવા મોટો મોરચો
મુંબઈ, તા. 25 : સાધ્વી પ્રજ્ઞા સિંહને લોકસભાની ચૂંટણી લડતાં અટકાવવા માટે વિરોધીઓ એક થયા પછી પણ નહીં અટકાવી શક્યાં હવે તેઓએ તેમને હરાવવા નવેસરથી પ્રયાસો આદર્યા છે.
2008માં માલેગાંવ ધડાકામાં જાન ગુમાવનારના પિતાએ સાધ્વીની ઉમેદવારીને પડકારતી અને તેમને ચૂંટણી લડતાં અટકાવવાની કરેલી અરજી એનઆઈએ કોર્ટે કાઢી નાખ્યા બાદ હવે સાધ્વીની વિરુદ્ધમાં પ્રચાર કરવાનું માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટના ભોગ બનેલાઓનાં સગાંએ નક્કી કર્યું છે. આ ઉપરાંત મુંબઈની હાઈ કોર્ટના નિવૃત્ત જજ બી. જી. કોલસે પાટીલના નેતૃત્વમાંનું 200 સામાજિક કાર્યકર્તાઓનું ગ્રુપ પણ સાધ્વી વિરુદ્ધ પ્રચારમાં જોડાવવાનું છે.
જસ્ટિસ કોલસે પાટીલે જણાવ્યું છે કે સાધ્વી વિરુદ્ધ પ્રચાર કરવા અમે ભોપાલ જઈશું અને મતદારો સમક્ષ રજૂઆત કરશું કે સાધ્વી વિરુદ્ધ તેમની  પાસે આતંકવાદી પ્રવૃતિના પૂરતા પુરાવાઓ છે અને તે મતદારોને પણ વાંચી સંભળાવીશું.
દરમિયાન, નિવૃત્ત સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ અૉફ પોલીસ સુરેશ ખોપડે, મુસ્લિમ મંચના અંજુમ ઈનામદાર, ચળવળકર્તા દત્તા પોલ વગેરેએ ભોપાલથી કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સામે સાધ્વીનો ચૂંટણી લડવાના નિર્ણયનો ઘોર વિરોધ કર્યો છે. જસ્ટિસ પાટીલ પોતાના સાથીઓ સાથે સાધ્વી વિરુદ્ધ પ્રચાર માટે ત્રણ દિવસ ભોપાલમાં રહેવાના છે.
દરમિયાન, સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર રિયાઝ દેશમુખે ચૂંટણીમાં લડવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું છે કે સાધ્વીએ જ્યારે ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મહારાષ્ટ્ર પોલીસની આન, બાન અને શાન ગણાતા એક સ્વર્ગસ્થ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરુદ્ધ આગ ઓકનારને હું ચલાવી લઈશ નહીં.
દેશમુખ અમરાવતીથી  જ 2016માં એસીપી તરીકે નિવૃત્ત થયા હતા અને ત્રણ દાયકા પોલીસદળમાં સેવા આપી હતી.
જસ્ટિસ કોલસે પાટીલ ઍન્ડ કંપની તેમ જ નિવૃત્ત એસીપીએ લીધેલા તાજા વલણને લઈ ભોપાલ મતદાર ક્ષેત્રની ચૂંટણી ભારે રસપ્રદ બનવાનાં એંધાણ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer