પ્રોપર્ટી ટૅક્સ ઓછો થશે

પ્રોપર્ટી ટૅક્સ ઓછો થશે
મુંબઈ, તા. 25 : પ્રૉપર્ટી ટૅક્સ ઠરાવતી વખતે ઘરભાડાને બદલે રેડીરેક્નર દરને આધારભૂત ગણવાના મુંબઈ મહાનગરપાલિકાએ 2010માં કરેલા નિયમને હાઈ કોર્ટે રદ કર્યો હતો. આ નિયમને લીધે પાલિકાનું અંદાજે 1300 કરોડ રૂપિયાનું મહેસૂલ ડૂબવા છતાં શહેરી વિભાગમાં પ્રૉપર્ટી ટૅક્સ ઓછો થવાથી નાગરિકોને રાહત મળશે.
મુંબઈ મહાપાલિકા કાયદામાં 2009માં કરેલા સુધારાને ન્યાયમૂર્તિ અભય ઓક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે બંધારણીય રીતે માન્ય રાખ્યો હતો. આ સંદર્ભમાં ખંડપીઠે ગઈકાલે વિસ્તૃત નિકાસપત્ર જાહેર કર્યું હતું. આ નિયમ 2012થી અમલમાં હોઈ તેના નિયમ ક્રમાંક 20, 21 અને 22 હાઈ કોર્ટે રદ કર્યા હતા.
પાલિકાએ આ નિયમોના અમલ પૂર્વે અરજદારોની દલીલ સાંભળવી એમ કોર્ટે કહ્યું હતું. પ્રૉપર્ટી ટૅક્સ આકારણી બાબત જૂના નિયમ મુજબ કામ કરવું કે નવા પર? તેનો નિર્ણય પાલિકા પર છોડવામાં આવ્યો છે. દરમિયાન પાલિકા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે તે માટે ખંડપીઠે પોતાના આદેશને 31 અૉગસ્ટ સુધી સ્ટે આપ્યો છે.
પાલિકાએ ઉપલા નિયમ ઘડયા તે પૂર્વે ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માસિક ભાડાના આધારે નક્કી કરાતો હતો. આ નિયમ કર્યા બાદ રેડીરેકનર દર અનુસાર ઠરનારા ઘરના મૂલ્યના આધારે પ્રૉપર્ટી ટૅક્સ ઠરાવવામાં આવ્યો. આનો મોટો ફટકો શહેરી ભાગમાં રહેનારાઓને લાગ્યો હતો. જ્યાં ઘરભાડું જૂના દરથી (દા. ત. 10થી 50 રૂપિયા) લેવાતું તેથી તે ઘરભાડાના આધારે પ્રૉપર્ટી ટૅક્સ ઓછો હતો.
નવા નિયમ મુજબ રેડીરેકનરના આધારે પ્રૉપર્ટી ટૅક્સમાં ત્રણથી ચાર ગણો વધારો થયો પરિણામે આ નિર્ણયને રહેવાસીઓ, બીલ્ડરો અને તેમનાં સંગઠનોએ વકીલ દ્વારા હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આવી 100થી વધુ અરજીઓ પર સુનાવણી કર્યા બાદ સુરક્ષિત નિર્ણય ખંડપીઠે બુધવારે જાહેર કર્યો.
પાલિકાએ 2010 અને 2015માં ઠરાવેલા ભાંડવલી મૂલ્ય નિયમ ક્રમાંક 20, 21 અને 22 મહાપાલિકા કાયદાવિરોધી હોવાનું જણાવી ખંડપીઠે રદ કર્યા હતા. આ નિયમાનુસાર કાઢેલા પ્રૉપર્ટીના ભાંડવલી મૂલ્ય અને તેના આધારે આપેલી પ્રૉપર્ટી ટૅક્સની નોટિસો રદ કરવાનું પણ ખંડપીઠે જણાવ્યું હતું.
સરકારને પ્રૉપર્ટી ટૅક્સ કાયદામાં દુરસ્તી કરવાનો અધિકાર છે પરંતુ તે માટે સબળ કારણો હોવાં જરૂરી છે.

Published on: Thu, 25 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer