મોનોરેલ `મોનોટોનસ'' કેમ બની છે?

મોનોરેલ `મોનોટોનસ'' કેમ બની છે?
માત્ર ચાર ટ્રેનો દોડતા પ્રવાસીઓની સંખ્યા ઘટી

મુંબઈ, તા. 14 : દેશની પ્રથમ મોનોરેલનો ચેમ્બુરથી જેકબ સર્કલનો સંપૂર્ણ તબક્કો શરૂ થયાને બે મહિના થઈ ગયા છતાં તેના પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. માર્ચ, 2019ના આંકડા સાથે એપ્રિલ, 2019ના આંકડા સરખાવ્યા ત્યારે આ ઘટાડો નજરે ચડયો હતો.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે માર્ચ, 2019ના 26 દિવસમાં મોનોરેલમાં 5.55 લાખ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. આમ છતાં એપ્રિલ, 2019ના પૂરા 30 દિવસમાં માત્ર 4.03 લાખ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો.
આ માટે ઘણા કારણ ગણાવી શકાય. એક મહત્ત્વનું કારણ એ ગણાવાઈ રહ્યું છે કે બે ટ્રેનો વચ્ચેનું અંતર અગાઉ જે 22 મિનિટનું હતું તે વધીને ક્યારેક 45 મિનિટ પર પહોંચે છે. આ ઉપરાંત એપ્રિલમાં કેટલીક વાર ટેક્નિકલ કારણોને લીધે પણ મોનોરેલ ખોટકાઈ હતી.
હાલ 10 મોનોરેલ ટ્રેનમાંથી માત્ર 4 ટ્રેન જ ચાલુ છે. બાકીની છ સમારકામ માગે છે.
ગત 4 માર્ચે મોનોરેલનો સંપૂર્ણ રૂટ શરૂ થયો ત્યારથી દૈનિક સરેરાશ તેની 40 ટકા સેવાઓ રદ થઈ રહી છે. જેનાથી પ્રવાસીઓનો રાહ જોવાનો અને પ્રવાસીનો સમય વધે છે. પરિણામે પ્રવાસીઓ મોનોરેલમાં પ્રવાસ પસંદ કરતા નથી.
એમએમઆરડીએના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ ચાર ટ્રેનો દોડે છે. ટૂંક સમયમાં અમે વધુ ત્રણ ટ્રેનો સેવામાં દાખલ કરીશું. વધુ 10 ટ્રેનો મેળવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે અને આગામી 18 મહિનામાં અમારી પાસે 17 મોનો ટ્રેન હશે. જેનાથી ફ્રિકવન્સી વધશે અને પ્રવાસીઓ પણ વધશે.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer