રિયલ એસ્ટેટ માટે જીએસટીનાં પાંચ નોટિફિકેશન્સ એટલે ભૂલભૂલૈયા

રિયલ એસ્ટેટ માટે જીએસટીનાં પાંચ નોટિફિકેશન્સ એટલે ભૂલભૂલૈયા
જીએસટીના ટોચના અધિકારીઓએ સ્વીકાર્યું  

વિશેષ સંવાદદાતા તરફથી 
મુંબઈ, તા. 15 : રિયલ એસ્ટેટ સબંધી નવું કરમાળખું અને જોગવાઈઓ 1 એપ્રિલ 2019થી અમલમાં આવી તે પછી તેમાં ગુંચવણો હોવાનું ટોચના જીએસટી અધિકારીઓએ સ્વીકાર્યું છે. 
 નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એક સેમિનારને સંબોધતાં મુંબઈ જીએસટીનાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર સુંગીતા શર્મા, રાજ્યના જીએસટી કમિશનર રાજીવ જલોટા અને મુંબઈ સીજીએસટી કમિશનર સંજુ મહેન્દ્રુએ રિયલ એસ્ટેટ ક્ષેત્રના તમામ હિતધારકોને બાંયધરી આપી હતી કે સરકાર આ મુશ્કેલીઓનાં નિવારણ માટે પ્રતિબદ્ધ છે. 
`વ્યાપાર'ના કટારલેખક એડવોકેટ શૈલેષ શેઠે કહ્યું કે બાંધકામ હેઠળના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો લાભ નકારીને નીચા દરનો વિકલ્પ આપવાની નીતિ જીએસટી કરપ્રણાલીના મૂળ હેતુ સાથે સુસંગત નથી. જીએસટી કાઉન્સિલે તાજેતરમાં ડેવલપર્સને ટૅક્સમાં એક વારનો વિકલ્પ આપ્યો છે કે તેઓ રહેણાકના હેતુવાળા બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ માટે ઇનપુટ ટૅક્સ ક્રેડિટ સાથે 12 ટકા ટૅક્સનો અને અફોર્ડેબલ (સસ્તાં) ઘર માટે પાંચ ટકાનો અથવા ઇનપુટ ટૅક્સ ક્રેડિટના લાભ વિના અનુક્રમે પાંચ ટકા અને એક ટકા ટૅક્સનો વિકલ્પ પસંદ કરે. આ વિકલ્પ પસંદ કરવા માટે તેમને 20મી મે સુધીની મહેતલ આપવામાં આવી છે, જે અગાઉ 10 મે હતી. આ વિષે શૈલેષભાઈએ કહ્યું કે આ પ્રકારે બાંધછોડ કરવાથી જીએસટીના અમલમાં અનેક વિસંગતિઓ સર્જવાની શક્યતા છે. કરદાતા પર એકઝમ્પશનનો લાભ ફરજિયાત ઠોકી ન બેસાડાય એવું કહેતાં તેમણે ઉમેર્યું કે બીલ્ડર/ ડેવલપર ઈચ્છે તો જમીનના વાસ્તવિક મૂલ્યની તથા અન્ય કપાતનો લાભ લેવા માટે સંપૂર્ણ દરે જીએસટી ભરવાનો વિકલ્પ સ્વીકારી શકે છે.  
શૈલેષભાઈએ ડેવલપમેન્ટ રાઇટ્સ પર જીએસટી, જમીનમાલિક પર લાદવામાં આવેલી ટૅક્સ ભરવાની જવાબદારી, રજિસ્ટર્ડ પર્સન પાસેથી ઓછામાં ઓછી 80 ટકા જેટલી માલ અને સેવાની ખરીદીની જોગવાઈ, ફ્લેટની કિંમતથી કપાતપાત્ર જમીનની વેલ્યુ સંબંધી જોગવાઈઓની બંધારણીયતા વિષે પણ શંકા વ્યક્ત કરી હતી.  
કાઉન્સિલના નેશનલ પ્રેસિડન્ટ નિરંજન હીરાનંદાની, વેસ્ટર્ન રીજન પ્રેસિડન્ટ રાજન બેંડલકર, સીએ સમીર સંઘવીએ નવી જોગવાઈઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. 
સીએ રાજકમલ શાહે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા 66મા પૃષ્ઠમાં સમાવાયેલાં પાંચ નોટિફિકેશન્સની ગુંચવાડા ભરેલી જોગવાઈઓ વિષે સમજ આપતાં તેના અમલમાં રહેલી વ્યવહારુ મુશ્કેલીઓ સમજાવી હતી.
Published on: Thu, 16 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer