રેતી ઉલેચવામાં અને સિમેન્ટ ઉત્પાદનમાં ચીન અને ભારત

રેતી ઉલેચવામાં અને સિમેન્ટ ઉત્પાદનમાં ચીન અને ભારત
દુનિયામાં અગ્રેસર સંયુક્ત રાષ્ટ્રસંઘ

આની જળાશયો અને દરિયાકિનારાના પ્રદેશો પર વિપરીત અસર થઈ રહી હોવાનો દાવો

મુંબઈ, તા. 15 : રેતી ઉલેચવા (સેન્ડ માઇનિંગ) સંબંધી સંયુક્ત રાષ્ટ્રસંઘના તાજા અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને ચીનમાં બેફામપણે રેતી ઉલેચાઇ રહી હોવાથી તેની વિપરીત અસર નદીઓ, તળાવો, જળાશયો અને દરિયાકિનારાના પ્રદેશોમાં થઇ છે. `સેન્ડ ઍન્ડ સસ્ટેનેબિલિટી' નામના અહેવાલમાં જણાવાયું છે કે કદાચ ભારત અને ચીનમાં વિશ્વભરમાં સૌથી વધુ બાંધકામ અને માળખાકીય સુવિધાઓ ઊભી થઇ રહી છે. જો કે રેતી ઉલેચવા સામેની ઝુંબેશ વર્ષ 2002માં મુંબઈમાંથી જ શરૂ થઇ હતી અને અલિબાગના કિહિમ બીચ પરથી ગેરકાયદે રેતી ઉલેચીને લઇ જવાતી ટ્રકને આંતરાઈ હતી. છેલ્લા કેટલાંક વર્ષોથી બીલ્ડરો રેતીની સપ્લાય પૂરતી ન હોવાની ફરિયાદો પણ કરી રહ્યા છે અને સરકાર પાસે રેતી ઉલેચવા સંબંધી નિયમો હળવા કરવાની માગણી પણ કરી રહ્યા છે. 
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં કુલ સિમેન્ટ ઉત્પાદનમાં 58.5 ટકા સિમેન્ટ ઉત્પાદન સાથે ચીન નંબર વન જ્યારે 6.6 ટકા સિમેન્ટ ઉત્પાદન સાથે ભારત નંબર ટુ પર છે. ભારત અને ચીન ઝડપથી પોતાની વસ્તીને ગરીબીમાંથી બહાર લાવવા મથી રહ્યા છે. રિપોર્ટના આંકડા પ્રમાણે વર્ષ 2017માં ચીન 2.4 બિલિયન ટન સિમેન્ટ ઉત્પાદન સાથે નંબર વન જ્યારે ભારત 270 મિલિયન સિમેન્ટ ઉત્પાદન સાથે નંબર ટુ પર હતું, ત્રીજા નંબરે રહેલા અમેરિકામાં 86.3 મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદન થયું હતું. 
ભારત રેતી ઉલેચે છે અને સિમેન્ટ ઉત્પાદન કરે છે તે મોટા ભાગે ભારતમાં જ વપરાય છે જ્યારે ચીન મોટા પાયે રેતી અને સિમેન્ટ એશિયા ખંડ સહિતના અન્ય 70 દેશોમાં પણ મોકલાવે છે. જો કે રેતી અને આડકતરી રીતે સિમેન્ટ પણ કુદરતી સ્રોત છે અને તેને એકથી બીજા સ્થળે લઇ જવામાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ આવે છે. ખાસ તો તેની પર્યાવરણ અને નદીઓ, જળાશયો તેમ જ દરિયાકિનારાના પ્રદેશોમાં વિપરીત અસર થાય છે.
ભારતમાં ગેરકાયદે રેતી ઉલેચવી અને આ ક્ષેત્રમાં માફિયાઓનું સામ્રાજ્ય હોવાની સમસ્યા જાણીતી છે, તેની સામે મુંબઈના આવાઝ ફાઉન્ડેશને તાજેતરમાં સેવ અવર સેન્ડ્સ (આપણી રેતી બચાવો) ઝુંબેશ શરૂ કરાઇ છે અને રેતી, સિમેન્ટના વિકલ્પે રિસાઇકલ્ડ પ્લાસ્ટિક, બાંધકામ ક્ષેત્રનો કાટમાળ તેમ જ ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરવાની પણ સલાહ અને સૂચનો આપવામાં આવે છે.
Published on: Thu, 16 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer