જો એસઆરપીએફ ન હોત તો હું બચ્યો ન હોત : અમિત શાહ

જો એસઆરપીએફ ન હોત તો હું બચ્યો ન હોત : અમિત શાહ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 15 : ભાજપપ્રમુખ અમિત શાહે આજે અત્રે જણાવ્યું હતું કે કોલકાતામાં તેમના રોડ શો દરમિયાન થયેલી હિંસા માટે ટીએમસી જવાબદાર છે અને સત્તા બચાવવા માટે તે ગમેતે હદે જઈ શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે જો રોડ શો વખતે સીઆરપીએફના જવાનો તૈનાત ન હોત તો તેમનું બચવું મુશ્કેલ હતું.
આજે સવારે ભાજપ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં અમિત શાહે જણાવ્યું હતું કે લોકસભાની આ ચૂંટણીમાં અમે 300થી વધુ બેઠકો જીતવા જઈ રહ્યા છીએ. ચૂંટણીના છ તબક્કાના મતદાન વખતે પ. બંગાળને બાદ કરતાં અન્ય કોઈ રાજ્યમાં હિંસા થઈ નથી. રોડ શો દરમિયાન ટીએમસીના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકરોને ઉશ્કેર્યા હતા.
શાહે જણાવ્યું હતું કે `અમારા કાફલા પર ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, કેરોસીન બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. અમારી મોટરસાઈકલને આગ લગાડવામાં આવી હતી તો શું અમે અમારી જ મોટરસાઈકલને આગ લગાડશું? ભાજપના પ્રમુખે એવો આક્ષેપ કર્યો હતો કે ટીએમસીના ગુંડાઓએ જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી હતી.'
ભાજપપ્રમુખે જણાવ્યું હતું કે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મારી વિરુદ્ધ તો માત્ર એફઆઈઆર દાખલ કરાઈ છે, પરંતુ અમારા ઘણા કાર્યકર્તાઓની તો હત્યા સુધ્ધાં કરાઈ છે. તૃણમૂલ કૉંગ્રેસે ધમકી આપવાની સંસ્કૃતિને અપનાવી છે, પરંતુ બંગાળની જનતા હવે પરિવર્તનનું મન બનાવી ચૂકી છે.
અમિત શાહે એવો દાવો કર્યો હતો કે ભાજપ પ. બંગાળમાં લોકસભાની 23 કરતાં વધુ બેઠકો જીતશે અને દેશમાં 300 કરતાં વધુ બેઠકો જીતશે. ભાજપપ્રમુખે ચૂંટણી પંચ પર મૂકપ્રેક્ષક બનવાનો આરોપ લગાવ્યો હતો.
Published on: Thu, 16 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer