શૅરબજારમાં મોટા તોફાન અગાઉ નિફ્ટી 150 પોઇન્ટ સુધારે 11,407

શૅરબજારમાં મોટા તોફાન અગાઉ નિફ્ટી 150 પોઇન્ટ સુધારે 11,407
ચૂંટણી પરિણામનાં સંકેતથી આવતા અઠવાડિયે મોટી અફડાતફડી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : લોકસભાની ચૂંટણી પૂરી થવાને આરે હોઈ રવિવારે સાંજથી પરિણામનાં અણસારરૂપી `એક્ઝિટ પોલ'ના ખેલ શરૂ થવા અગાઉ શૅરબજારમાં આજે જોરદાર ઉછાળો જોયો હતો. એશિયાના બજારોમાં ટ્રેડવોરના પડઘાના ઘટાડા પછી થોડી સ્થિરતા સામે હવે 23મેના રોજ ચૂંટણીનાં પરિણામ જાહેર થયા પછી એટલે આગામી બે અઠવાડિયા દરમિયાન શૅરબજારમાં કાતિલ વધઘટ રહેવાનું નક્કી હોવાનું બજાર અનુભવીઓ માને છે.
આજે શૅરબજારમાં એનએસઈ ખાતે નિફ્ટી 150 પોઇન્ટના ઝડપી ઉછાળા સાથે 11,407ની કટોકટી ભરી પ્રતિકારક સપાટીની સહેજ ઉપર બંધ રહ્યો હતો. એનલિસ્ટોના અભિપ્રાય પ્રમાણે 200 દિવસની ડીઓએ હજુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. બજારને 11,300ના સપોર્ટ ઉપર ટકાવવા માટે 11,500થી 11,700નો પ્રતિકાર ઝોન પાર કરવો અત્યંત જરૂરી બનશે. સોમવારે એક્ઝિટ પોલના ઓછાયા અને ચિત્રવિચિત્ર અનુમાન પર બજારની વધઘટનો મુખ્ય આધાર રહેશે. બીએસઈ સેન્સેક્સ 537 પોઇન્ટ વધીને 37.931 પોઇન્ટ બંધ રહ્યો હતો.
આજે ઝડપી ઉછાળામાં મુખ્ય એચડીએફસી ગ્રુપ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને આઈટીસી સાથે બજાજ ફીનસર્વ, મારુતી, બજાજ ઓટો અને હીરો મોટો કોર્પ અગ્રણી રહ્યા હતા.
આજે એનએસઈ ખાતે મીડિયા ઇન્ડેક્સ 3.53 ટકા, વાહન, બૅન્ક અને એફએમસીજી ઇન્ડેક્સ 2 ટકા વધ્યા હતા. આજે હીરો હોન્ડા રૂા. 102, મારુતી રૂા. 227, બજાજ ઓટો રૂા. 97, બજાજ ફાયનાન્સ રૂા. 191- ફીનસર્વ રૂા. 371, એચડીએફસી બૅન્ક રૂા. 51, એક્સિસ બૅન્ક રૂા. 17, એચડીએફસી રૂા. 51, એલએન્ડટી રૂા. 25 વધ્યા હતા.
આજના સુધારા છતાં આઈટી અગ્રણી શૅરો ઘટયા હતા. ટીસીએસ રૂા. 13, ઇન્ફોસીસ રૂા. 9, યસ બૅન્ક રૂા. 6 અને ડૉ. રેડ્ડીસ રૂા. 56 ઘટાડે હતા. બીએસઈ ખાતે મીડકેપ ઇન્ડેક્સ 153 અને સ્મોલકેપ ઇન્ડેક્સ 70 પોઇન્ટ વધ્યા હતા.
એશિયાના બજારોમાં સ્થિરતા
ચીન-અમેરિકાના ટ્રેડવોર સંકટથી મોટો ઘટાડો જોઈ ચૂકેલા એશિયાના બજારો આજે થોડા સ્થિર થયા હતા. એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 7.1 ટકા સુધાર્યો હતો. જપાન ખાતે નિક્કી 0.7 ટકા સુધારે હતો. અૉસ્ટ્રેલિયા ખાતે શૅર 0.5 ટકા વધ્યો હતો.
 
 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer