આઇસીસી વર્લ્ડ કપ વિજેતા ટીમને 40 લાખ ડૉલર મળશે

આઇસીસી વર્લ્ડ કપ વિજેતા ટીમને 40 લાખ ડૉલર મળશે
ઉપવિજેતાને 20 લાખ ડૉલર: ટુર્નામેન્ટની કુલ ઇનામ રાશી 1 કરોડ ડૉલર
લંડન, તા.17: ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર 12મા આઇસીસી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમને ચમચમાતી સોનાની વિશ્વ વિજેતા ટ્રોફીની સાથોસાથ 40 લાખ યૂએસ ડોલર (લગભગ 28 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ પણ મળશે. વિશ્વ કપમાં સેમિ ફાઇનલમાં પહોંચનાર ટીમ પણ માલામાલ બની જશે. આઇસીસીએ આજે એક યાદીમાં જણાવ્યું છે કે 40 લાખનું ઇનામ વર્લ્ડ કપનું અત્યાર સુધીનું સૌથી મોટું છે. ટૂર્નામેન્ટની કુલ ઇનામી રાશિ એક કરોડ ડોલર છે.
વર્લ્ડ કપમાં ઉપવિજેતા રહેનાર ટીમને 20 લાખ ડોલરનું ઇનામ મળશે. જે પહેલા ઇનામથી અરધી રકમ છે. જ્યારે સેમિ ફાઇનલમાં હાર સહન કરનાર બન્ને ટીમને 8-8 લાખ ડોલરના ઇનામ મળશે. વર્લ્ડ કપ 30મેથી શરૂ થઇ રહયો છે અને ઇંગ્લેન્ડ-વેલ્સમાં 11 સ્થળે રમાશે. દરેક મેચમાં ઇનામી રાશિ છે. દરેક લીગ મેચની વિજેતા ટીમને 40000 ડોલર મળશે.
ફીફા વર્લ્ડ કપમાં આથી દસગણું ઇનામ
આઇસીસી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમને ફોર મિલિયન એટલે કે 40 લાખ ડોલરનું ઇનામ મળવાનું છે. જે ફીફા (ફૂટબોલ) વર્લ્ડ કપની તુલનામાં ઘણું ઓછું ઇનામ છે. ગયા વર્ષે રશિયામાં રમાયેલ ફૂટબોલ વર્લ્ડ કપમાં જ્યારે ફ્રાંસની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે તેને 38 મિલિયન ડોલર એટલે કે 266 કરોડ 78 લાખ રૂપિયા જેવું ઇનામ ટ્રોફી સાથે મળ્યું હતું. જે આઇસીસી વર્લ્ડ કપથી દસગણી રકમ છે.  
 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer