મુંબઈમાં સેલ્ફી પૉઈન્ટની જરૂર છે

મુંબઈ, તા. 17 : મુંબઈમાં પાલિકાના મુખ્યાલયની જેમ જ ચોપાટી, ઉદ્યાન અને હેરિટેજ ઈમારતો પાસે સેલ્ફી પૉઈન્ટ બનાવવાની માગણી નગરસેવકોએ કરી છે. આ બાબતનો પ્રસ્તાવ પાલિકા સભાગૃહમાં મંજૂરી માટે ઠરાવ દ્વારા રજૂ કરવામાં આવશે. 
સેલ્ફી પાડવાનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો હોવાથી પર્યટન સ્થળે સેલ્ફી પડાવતા પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. મુંબઈમાં ગૅટવે અૉફ ઈન્ડિયા, ગિરગામ, દાદર, માહિમ,  જુહુ, વર્સોવા, મઢ, ગોરાઈ જેવી મોટી ચોપાટી છે. તેમ જ પવઈ જેવા મોટા તળાવ સહિત અનેક ઉદ્યાનો, મનોરંજનના મેદાન, રાણીબાગ વગેરે પર્યટન સ્થળો છે. આ સ્થળોની મુલાકાત લેતા પ્રત્યેક પ્રવાસીને સેલ્ફીનો મોહ હોય જ છે. 
સેલ્ફી લેતી વખતે અનેક લોકો પોતાના જીવની પણ પરવાહ નથી કરતા અને અકસ્માત સર્જાય છે. એટલે સેલ્ફી લેવા માટે પાલિકાએ અનેક ઉપાયયોજના કરવી જોઈએ, તેવી માગણી નગરસેવકોએ કરી હતી. પાલિકાના મુખ્યાલય, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે રસ્તાની વચ્ચે સેલ્ફી પૉઈન્ટ છે. જેની દરરોજ અનેક દેશી-વિદેશી પર્યટકો મુલાકાત લે છે. આ જ પાર્શ્વભૂમિ પર બીજાં સ્થળોએ પણ સેલ્ફી પૉઈન્ટ શરૂ કરવા જોઈએ. જેથી પર્યટકોને પણ શાંતિ મળે અને અકસ્માત પણ ટળે, તેવો મત નગરસેવકોએ આપ્યો હતો. નગરસેવકોના સેલ્ફી પૉઈન્ટના પ્રસ્તાવને પાલિકા પ્રશાસન અભ્યાસ કરીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેમ પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer