સ્વિત્ઝર્લેન્ડથી મળેલી કાળાં નાણાંની માહિતી જાહેર ન થઈ શકે : સરકાર

નવી દિલ્હી, તા.17 : કેન્દ્ર સરકારે ગોપનીયતાનો હવાલો આપીને સ્વિત્ઝર્લેન્ડથી કાળાં નાણાં અંગે મળેલી જાણકારી જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે. માહિતી અધિકાર કાયદા હેઠળ પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં નાણાં મત્રાલયે કહ્યું હતું કે જારી રહેલી તપાસ હેઠળ ભારત અને સ્વિત્ઝર્લેન્ડ કેસવાર કાળાં ધન પર માહિતીનું આદાનપ્રદાન કરતા હોય છે. આ એક જારી પ્રક્રિયા છે.
પીટીઆઈના એક પત્રકાર દ્વારા આરટીઆઈ અરજીમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વિત્ઝર્લેન્ડે કાળાં ધન અંગે જે માહિતી આપી છે તે ગોપનીયતા જોગવાઈઓની અંતર્ગત આવે છે. મંત્રાલય પાસેથી સ્વિત્ઝર્લેન્ડથી કાળાં નાણાંના મામલાઓમાં મળેલી માહિતી અંગે વિગત માગવામાં આવી હતી, જેમાં કંપનીઓ તથા લોકોનાં નામ સામેલ છે. આ ઉપરાંત માહિતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ જાણકારી માગવામાં આવી હતી.
ભારત અને સ્વિત્ઝર્લેન્ડે કર મામલાઓ પર દ્વિપક્ષીય વહીવટી સહાયતા (એમએએસી) પર બહુપક્ષીય સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ 22 નવેમ્બર 2016ના સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
મંત્રાલયે કહ્યું હતું કે જરૂરી કાનૂની વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે અને 2019થી ભારતને ભારતીય નિવાસીઓના સ્વિત્ઝર્લેન્ડમાં આર્થિક ખાતાંઓ અંગે વર્ષ 2018ની માહિતી મળશે. આ વ્યવસ્થા આગળ પણ જારી રહેશે. મંત્રાલયે કહ્યું કે આ વ્યવસ્થા ભારતીય નિવાસીઓના સ્વિત્ઝર્લેન્ડમાં બિનહિસાબી આવક અને સંપત્તિની જાણ મેળવવા અને તેમને કર દાયરામાં લાવવા માટે ઉપયોગી બનશે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer