પ્રજ્ઞાને મનથી માફ નહીં કરી શકું : મોદી

ભોપાલ, તા. 17 : મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેને દેશભક્ત કહેતાં નિવેદન બાદ ભોપાલ બેઠકના ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર ચોમેરથી ઘેરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ નિવેદનની ટીકા સાથે સખત શબ્દોમાં જણાવ્યું હતું કે, ભલે પ્રજ્ઞાએ માફી માગી લીધી હોય, પરંતુ હું મનથી તેમને કદી માફ નહીં કરી શકું.
એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં વડાપ્રધાને પ્રજ્ઞાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સભ્ય સમાજમાં આવી વાતો કરી જ શકાય નહીં.
આવું બોલનાર લોકોએ આગળ પર 100 વાર વિચારવું પડશે. રાષ્ટ્રપિતાની હત્યા કરનાર ગોડસેને દેશભક્ત કહેતી ટિપ્પણી ઘૃણાસ્પદ છે, તેવું મોદીએ ઉમેર્યું હતું. ગાંધીજી અથવા ગોડસે માટે સાધ્વી પ્રજ્ઞા અને અન્ય લોકો દ્વારા કરાયેલા નિવેદનો ભારે ખરાબ છે અને સમાજ માટે ખોટા છે તેવું તેમણે જણાવ્યું હતું.
બીજીતરફ, ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ કડક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસોમાં સાધ્વી પ્રજ્ઞા, અનંતકુમાર હેગડે અને નલિન કાટિલે આપેલા નિવેદનો સાથે પક્ષને કોઈ જ સંબંધ નથી.
આ ત્રણેય નેતાઓએ નિવેદનો પાછા ખેંચતાં માફી પણ માગી લીધી છે, પરંતુ ભાજપની ગરિમા અને વિચારધારાથી વિપરીત નિવેદનોને ગંભીરતાથી લેતાં પક્ષે નિવેદનો અનુશાસન સમિતિને સોંપ્યા છે તેવું શાહે ઉમેર્યું હતું.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer