ગ્રીન કાર્ડના સ્થાને આવશે બીલ્ડ અમેરિકા વિઝા

ગ્રીન કાર્ડના સ્થાને આવશે બીલ્ડ અમેરિકા વિઝા
નવી પ્રણાલીનો વધુ લાભ ભારતીયોને મળવાની ધારણા
વાશિંગ્ટન, તા. 17 (પીટીઆઈ): પોતાના દેશમાંથી સ્થળાંતર કરીને અમેરિકામાં વસવા માગતા લોકોને અપાતાં ગ્રીન કાર્ડની પ્રથામાં મોટા ફેરફારો આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ લાયકાત અને પોઇન્ટ આધારિત નવી ઇમિગ્રેશન નીતિની જાહેરાત કરી છે, જેમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોનું પ્રમાણ 12 ટકાથી વધારીને 57 ટકા કરાશે. વર્તમાન ગ્રીન કાર્ડને સ્થાને 'બીલ્ડ અમેરિકા' વિઝા દાખલ કરવામાં આવશે એમ ટ્રમ્પએ કહ્યું હતું. આ નવી પ્રણાલીનો સૌથી વધારે લાભ ભારતીયોને મળે તેવી શક્યતા છે. 
દર વર્ષે અમેરિકા 11 લાખ ગ્રીન કાર્ડ જારી કરે છે, જેમાં વિદેશી નાગરિકોને જીવનભર અમેરિકામાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળે છે તેમ જ પાંચ વર્ષ પછી અમેરિકન નાગરિકત્વ મેળવવાનો રસ્તો પણ ખૂલે છે.  
અત્યારની નીતિમાં મોટા ભાગના ગ્રીન કાર્ડ કૌટુંબિક સંબંધ અને વિવિધતાના આધારે અપાય છે અને વ્યવસાયી તથા કૌશલ્ય ધરાવનારાઓને પણ નાની સંખ્યામાં આવાં કાર્ડ અપાય છે. 
ટ્રમ્પએ ગુરુવારે કહ્યું હતું કે આ જૂની વ્યવસ્થામાં એ ફેરફાર કરવા માગે છે. એ સંદર્ભમાં તેમણે નવી નીતિની જાહેરાત કરી હતી.  
જે લોકો અમેરિકામાં વસે છે તેમની પ્રત્યે અમારી પવિત્ર ફરજ છે, અને જે લોકો ભવિષ્યમાં અમેરિકા આવશે તેમને પણ અમે આવકારીએ છીએ. બહારથી વસાહતીઓ અમારા દેશમાં આવે એવી અમારી ઈચ્છા છે એમ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં બોલતાં કહ્યું હતું. 
અમારા દેશના દરવાજા ખુલ્લા રાખવામાં અમને ખુશી છે પણ બહારના જે લોકો અહીં આવે છે તેમાં મોટો ભાગ યોગ્યતા અને કૌશલ્યવાળો હોવો જોઈએ, એમ ટ્રમ્પએ કહ્યું હતું.  
દર વર્ષે જારી કરાતાં ગ્રીન કાર્ડની સંખ્યામાં નવી નીતિમાં કોઈ ફેરફાર કરાયા નથી.  
અવ્યવસ્થિત રીતે લોકોને અમેરિકામાં સ્વીકારવાને બદલે અમે એને માટે સરળ અને સર્વવ્યાપક માપદંડ બનાવશું. તમે ક્યાંય પણ જન્મ્યા હો કે તમારા કોઈપણ સગાંવહાલા અહીં હોય, એનું હવે મહત્ત્વ નહિ રહે. તમારે જો અમેરિકન નાગરિક બનવું હોય તો અમે કહીએ એ યોગ્યતા તમારી પાસે હોવી જરૂરી બનશે એ વાત સ્પષ્ટ છે. એ વાત સ્ફટિક જેવી સ્પષ્ટ થશે એમ પણ તેમણે કહ્યું હતું. બહારથી અમેરિકામાં આવતા લોકોમાં નવી નીતિને લીધે વિવિધતા વધશે. અત્યારે જે વિવિધ કક્ષાનાં ગ્રીન કાર્ડ અપાય છે તેને બદલે નવા 'બીલ્ડ અમેરિકા' વિઝા આપવામાં આવશે એમ ટ્રમ્પએ કહ્યું ત્યારે હાજર રહેલા લોકોએ એમના નિવેદનને વધાવી લીધું હતું. 
કૅનેડા અને અન્ય નૂતન રાષ્ટ્રોની જેમ અમેરિકન સરકાર પણ વસાહતીઓની પસંદગીની એવી વ્યવસ્થા બનાવવા માગે છે, જે પોઈન્ટ્સ પર આધારિત અને સમજવી સહેલી હોય. તમે યુવા કામગાર હો તો તમને વધુ પોઇન્ટ મળશે કેમ કે એનો અર્થ એવો થાય કે તમે અમારી સામાજિક સલામતી વ્યવસ્થામાં વધુ ફાળો આપી શકશો. તમે મહત્ત્વનું કૌશલ્ય ધરાવતાં હો, તમારી પાસે નોકરીની ઓફર હોય, ઉચ્ચ શિક્ષણ હોય, અથવા અહીં આવીને રોજગારી ઊભી કરવાની તમારી યોજના હોય તો તમને વધુ પોઇન્ટ મળશે એમ ટ્રમ્પએ જણાવ્યું હતું.   
આવી વ્યવસ્થાના અભાવમાં અમેરિકા એવા લોકોને ગુમાવી રહ્યું છે જે કંપની શરૂ કરવા માગતા હતા. ઘણા કિસ્સામાં આવા લોકો પાછા પોતાના દેશમાં જતા રહે છે. તેમની ઈચ્છા તો અમેરિકામાં જ કંપની શરૂ કરવાની હતી. હવે તેમને માટે એવી શક્યતા ઊભી થશે. ડોનાલ્ડ ટ્રમ્પએ ઉમેર્યું હતું કે જે લોકોને ઊંચો પગાર મળતો હોય એમને અગ્રતાક્રમ અપાશે કેમ કે તેને કારણે અમેરિકન કામગારોથી બીજાઓને ઓછો પગાર મળતો બંધ થશે. અમેરિકન નાગરિકોને જે લાભ મળે છે તેના રક્ષણ માટે હવે બહારથી આવતા લોકો નાણાકીય રીતે સધ્ધર હોય એ જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.   
બહારથી આવતા લોકો અહીં ભળી જાય અને રાષ્ટ્રીય એકતા જળવાય એ માટે ભાવિ વસાહતીઓએ અંગ્રેજી શીખવું પડશે અને નાગરિકશાસ્ત્રની એક પરીક્ષા પાસ કરવી પડશે અને એ પછી જ એમને પ્રવેશ અપાશે. આ પગલાંઓને લીધે એવું થશે કે જે લોકો બહારથી આવે છે એ અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા અને અમારા મૂલ્યોને માન આપે. એટલું જ નહિ, પણ તેમને મજબૂત પણ બનાવે એવી વ્યવસ્થા ઊભી થશે એમ અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું. 
નીચલી પાયરીની નોકરી પણ બહારથી આવતા લોકોને મળી શકે છે એટલે વિદેશીઓ અહીં આવીને એવી નોકરીઓ લઇ લે છે જે સામાન્ય રીતે અમેરિકનોને મળવી જોઈએ. એવા લોકો બહારથી આવવા જોઈએ જે સખત શ્રમ કરતાં નીચી આવકવાળા અમેરિકનો માટે મોટી તક ઊભી કરે, અને નહિ કે આવા ઓછી આવકવાળા અમેરિકનો સામે હરીફાઈ કરે, એમ ટ્રમ્પએ કહ્યું હતું. 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer