પ્રજ્ઞા ઠાકુર અને અન્ય બે નેતાઓનાં વિવાદાસ્પદ નિવેદનો પર ભાજપની શિસ્ત સમિતિ અહેવાલ આપશે

પ્રજ્ઞા ઠાકુર અને અન્ય બે નેતાઓનાં વિવાદાસ્પદ નિવેદનો પર ભાજપની શિસ્ત સમિતિ અહેવાલ આપશે
પક્ષને તેમના આ નિવેદનો સાથે કોઈ સંબંધ નથી : અમિત શાહ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 17 : તાજેતરમાં જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરનારા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત બે અન્ય નેતાઓનાં વિવાદાસ્પદ નિવેદનોની ગંભીરતાથી નોંધ લઇને ભાજપપ્રમુખ અમિત શાહે ત્રણેનાં નિવેદનોને પક્ષની શિસ્ત સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે.
અમિત શાહે આજે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસોથી અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને નલીન કટિલે જે નિવેદનો કર્યાં છે તે તેમનાં અંગત નિવેદનો છે અને તેની સાથે ભાજપને કોઈ સંબંધ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નેતાઓએ આ નિવેદનો પાછાં ખેંચી લીધાં છે અને માફી માગી લીધી છે. આમ છતાં જાહેર જીવન અને ભાજપની ગરિમા અને વિચારધારાથી વિપરીત આ નિવેદનોની પક્ષે ગંભીર નોંધ લીધી છે અને ત્રણ નિવેદનોને પક્ષની શિસ્ત સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ ત્રણે નેતાઓ પાસેથી જવાબ માગીને તેનો અહેવાલ 10 દિવસથી અંદર પક્ષને સુપરત કરશે.
તાજેતરમાં કર્ણાટકના ભાજપ નેતા અનંત હેગડે, મધ્યપ્રદેશનાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને નલિન કટિલે વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. જેને કારણે ભાજપનું નીચાજોણું થયું હતું. વિરોધ પક્ષોએ ભાજપ પર નિશાન તાક્યું હતું.
દરમિયાન, મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતા ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઈને મચેલી બબાલ વચ્ચે ભાજપના મધ્યપ્રદેશના પ્રવક્તા અને મીડિયા સેલના પ્રમુખ અનિલ સૌમિત્રએ ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવી દેતાં નવો વિવાદ સર્જાયો હતો અને ભાજપે સૌમિત્રને તમામ પદ પરથી હટાવીને સસ્પેન્ડ કરી દીધા છે.
સૌમિત્રએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા પણ પાકિસ્તાન રાષ્ટ્રના. ભારતમાં તો તેમના જેવા કરોડો પુત્ર થયા છે. અમુક લાયક તો અમુક નાલાયક.
પ્રજ્ઞાના વિવાદથી ભાજપ ઘેરાયો છે ત્યાં સૌમિત્રની ફેસબુક પોસ્ટથી પક્ષની મુશ્કેલી વધી હતી અને ભાજપે સૌમિત્રને સસ્પેન્ડ કરી દીધા હતા. ઉપરાંત સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer