મોદી સરકારની નિષ્ફળતાઓને અમે સફળતાપૂર્વક ખુલ્લી પાડી છે : રાહુલ

મોદી સરકારની નિષ્ફળતાઓને અમે સફળતાપૂર્વક ખુલ્લી પાડી છે : રાહુલ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 17 : લોકસભાની ચૂંટણીના મતદાનના છેલ્લા તબક્કા માટેના પ્રચારના અંતની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ પત્રકારોને સંબોધ્યા હતા અને બન્નેએ ચૂંટણીમાં વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે વડા પ્રધાન મોદી પોતાના સિદ્ધાંતને વળગી રહેતા મીડિયાને માત્ર સંબોધન કર્યું હતું જ્યારે ભાજપપ્રમુખ અમિત શાહે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ જે મુખ્ય મુદ્દાઓ માટે ચૂંટણી લડી રહ્યો છે તે સંદર્ભમાં પુછાયેલા સવાલોના જવાબો આપ્યા હતા.
`અમે વડા પ્રધાન મોદીના ઇરાદાને ધ્વંસ કરી દીધો છે એમ જણાવતાં રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે તેમના પક્ષે ખેડૂતોની સમસ્યાઓ, બેરોજગારી, ગબ્બર સિંહ ટેક્સ, નોટબંધી અને રફાલ સોદા જેવા વિવિધ મુદ્દે ભાજપની આગેવાની હેઠળની સરકારની નિષ્ફળતાને સફળતાથી ખુલ્લી પાડી છે.
રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પત્રકાર પરિષદની હાંસી ઉડાવતાં જણાવ્યું હતું કે `બહુ જ પ્રભાવશાળી,' આ તો એક અસાધારણ ઘટના છે. વડા પ્રધાન મોદી પક્ષપ્રમુખ અમિત શાહની બાજુમાં બેસીને પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે અને તે પણ બંધ બારણે અને જ્યાં મોદી સંબોધન કરી રહ્યા છે તે રૂમમાં પત્રકારોને પ્રવેશવાની છૂટ નથી' હું એક પત્રકાર બનીને વડા પ્રધાનને પૂછવા માગું છું કે તેઓ શા માટે રફાલ સોદા પર ચર્ચા કરવા તૈયાર થતા નથી? પત્રકારોને એ વાત કહો કે તમે શા માટે રફાલ સોદા પર ચર્ચા કરવા સંમત થતા નથી એમ રાહુલે જણાવ્યું હતું.
ગોડસેની પ્રશંસા કરતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરના નિવેદન વિષે પૂછવામાં આવતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ હિંસાને ટેકો આપે છે નહિ કે અહિંસાને.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ મૂક્યો હતો. `વડા પ્રધાન મને કહેવા માગે છે તે ચૂંટણી પંચ કહે છે પરંતુ આજ કારણસર અન્યને સજા કરવામાં આવે છે. શું ચૂંટણીનું સમયપત્રક વડા પ્રધાનના પ્રચારના સમયપત્રકના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું? એવો સવાલ રાહુલ ગાંધીએ કર્યો હતો. રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસે વિપક્ષની ભૂમિકા ભજવવામાં પ્રભાવ પાડયો છે. અમને વિપક્ષની ભૂમિકા ભજવવામાં ગ્રેડ મળી છે.
પક્ષની વ્યૂહરચના પર ફોડ પાડતાં રાહુલે જણાવ્યું હતું કે કૉંગ્રેસની પ્રાથમિકતા ભાજપની જીતવાની તકના તમામ દરવાજા બંધ કરવાની છે. રાજ્યોમાં અમારે પક્ષને મજબૂત બનાવવાનો છે. અમે 90 ટકા દરવાજા બંધ કર્યા છે અને મોદીએ પોતે 10 ટકા બંધ કર્યા છે. અમે જોરદાર કામગીરી બજાવી છે એમ રાહુલે વધુમાં ઉમેર્યું હતું. બસપા-સપાનો ટેકો મળવાનો તમને વિશ્વાસ છે કે, એવા સવાલના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે `મને નથી લાગતું કે મુલાયમસિંહ, માયાવતીજી અને મમતાજી એનડીએને ટેકો આપશે. બિનસાંપ્રદાયિક મોરચો આ ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો જીતશે' એમ રાહુલે વધુમાં જણાવ્યું હતું. 2014માં ભાજપને મળેલા જનાદેશનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદીને મોટી તક હતી. હું ઇચ્છતો હતો કે તેઓ દેશને આગળ લઈ જાય, પરંતુ તેમણે ખરા ચિત્ર પરથી નજર ગુમાવી દીધી હતી, લોકોએ તેમને તક આપી હતી જે તેમણે ગુમાવી હતી.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer