કેન્દ્રમાં ફરીથી એનડીએની સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર રચાશે : મોદી

કેન્દ્રમાં ફરીથી એનડીએની સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર રચાશે : મોદી
વડા પ્રધાન અને કૉંગ્રેસપ્રમુખે પત્રકાર પરિષદ સાથે કરી લોકસભાના પ્રચારની પૂર્ણાહુતિ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 17 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે દાવો કર્યો હતો કે, ફરી એકવાર એનડીએની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર કેન્દ્રમાં આવશે. દેશમાં લાંબા સમય બાદ આવું થઈ રહ્યું છે જે એક મોટી વાત છે.
ભાજપ મુખ્યાલયમાં પત્રકારોને સંબોધતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, જનતાએ અમારી સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. ચૂંટણી શાનદાર રહી છે અને ફરી એકવાર અમારી બહુમતીવાળી સરકાર સત્તા પર આવશે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, અમે અમારા પક્ષના સંકલ્પ પત્રમાં દેશને આગળ લઈ જવાની ઘણી વાતો કરી છે અને જેટલું બનશે એટલું જલદી નવી સરકાર પોતાનો કાર્યભાર સંભાળી લેશે અને એક પછી એક નિર્ણયો લેવામાં આવશે.
હકીકતમાં તો ભાજપપ્રમુખ અમિત શાહની પત્રકાર પરિષદ નક્કી થઈ હતી, પરંતુ પછી ખબર પડી હતી કે વડા પ્રધાન પણ પત્રકાર પરિષદમાં હાજર રહેશે અને એવું જ થયું હતું. સૌપ્રથમ અમિત શાહે સંબોધન કર્યું હતું ત્યાર બાદ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા.
ભાજપપ્રમુખે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારે મોદી કેવળ શ્રોતા બનીને બેઠા હતા.
મોદીએ જણાવ્યું હતું કે, `દેશે પાંચ વર્ષ મને આશીર્વાદ આપ્યા તેનો આભાર હું ચૂંટણી સભાઓમાં વ્યક્ત કરું છું. અનેક ઉતાર ચડાવ આવ્યા પણ દેશ સાથે રહ્યો હતો.
મોદીએ એવો દાવો કર્યો હતો કે, પૂર્ણ બહુમતીવાળી સરકાર પાંચ વર્ષ પૂરા કરીને ફરીથી જીતીને આવશે એવું દેશમાં ઘણા લાંબા સમય બાદ બનશે, આ એક મોટી વાત છે.
વડા પ્રધાને 2014માં સરકારની રચનાના સમયે 17 મેને યાદ કરતાં કહ્યું હતું કે, ત્યારે સટ્ટાખોરોને મોદીની હાજરીથી મોટું નુકસાન થયું હતું. એટલે કે ઇમાનદારીની શરૂઆત 17 મેના થઈ હતી તે સમયે સટ્ટાબજારમાં કૉંગ્રેસને 150 બેઠકો અને ભાજપને 218 બેઠકો મળશે એવો સટ્ટો ચાલતો હતો. ત્યારે બધા ડૂબી ગયા હતા. સટ્ટાખોરોની દુકાનોને જનતાએ મોટો ફટકો માર્યો હતો.
અગાઉ ભાજપપ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપની સરકારને ફરીથી સત્તા પર લાવવા પક્ષના કાર્યકરો કરતાં જનતામાં વધુ ઉત્સાહ અને ઉમંગ જોવા મણ્યા હતા.
અમારી સરકારને પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. `નરેન્દ્ર મોદી પ્રયોગ'ને જનતાએ સ્વીકાર્યો છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગઈ ચૂંટણી કરતાં આ વખતે વધુ મોટી બહુમતીથી અમારી સરકાર બનશે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer