ચોમાસા પૂર્વે 20 `જોખમી'' FOB અને ROB બંધ કરાશે

મુંબઈ, તા. 18 : ગત 14 માર્ચના હિમાલયા એફઓબી તૂટી પડયા બાદ પાલિકાના રી-અૉડિટમાં વધારાના 14 સ્ટ્રકચર્સ જોખમી હાલતમાં જણાવાથી ચોમાસાના આગમન પૂર્વે એફઓબી અને આરઓબી સહિત શહેરના 20 પુલ બંધ કરવામાં આવશે.
રેલવે, પોલીસ અને હવામાન અધિકારીઓ સહિત શહેરના તમામ સ્ટેકહોલ્ડર્સની પાલિકાના મુખ્યાલયમાં ગઈકાલે (શુક્રવારે) યોજાયેલી ચોમાસા પૂર્વેની તૈયારી માટેની બેઠકમાં પાલિકાના પુલ વિભાગે જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમી ઉપનગરોમાં 14 સ્ટ્રક્ચર જર્જરિત અવસ્થામાં જણાયા બાદ તેમને બંધ કરવા અનિવાર્ય છે. તેમાં જુહુ-તારા રોડ પરનો, જોગેશ્વરી (ઇ.)માં મેઘવાડી નાળા નજીકનો તેમ જ બાંદરા - ધારાવી નાળા પરના પુલોનો સમાવેશ થાય છે. અગાઉના અૉડિટમાં 14 પુલો જોખમી જણાયા હતા, જે પૈકી આઠ તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં મરીન લાઈન્સસ્થિત ચંદનવાડીના બે પુલોનો સમાવેશ થાય છે. આમ પાલિકા દ્વારા ચોમાસા પહેલાં એકંદરે 20 પુલો બંધ કરાશે.
એક વરિષ્ઠ પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ આ પુલોના બેરીકેડિંગ પર કામ કરી રહ્યા છે અને તેમના પર લોકોનું આવાગમન મર્યાદિત કરવા આસિસ્ટંટ મ્યુનિસિપલ કમિશનરોને આદેશ આપવામાં આવશે. અને શક્ય તેટલા વધુ એફઓબી અને પુલો તોડવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ જોખમી સ્ટ્રકચર્સની સંખ્યા વધવાને કારણે અમે ચોમાસા પહેલાં તેમને તોડી નહીં શકીએ. તેથી સાવચેતીના પગલાં તરીકે તે અમે બેરીકેડ કરીશું અને તેમના પરનું આવાગમન બંધ કરીશું.'
હિમાલયા એફઓબી તૂટવાને પગલે પાલિકા કમિશનરના પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવાયું હતું કે `સ્ટ્રકચરલ અૉડિટ વર્ક માટે હાથ ધરાનારા તમામ પુલોનું તે જ સ્ટ્રક્ચરલ અૉડિટ ફર્મ દ્વારા રી-અૉડિટ કરવામાં આવશે. અૉડિટરને હિમાલયા પુલની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી અૉડિટ રીપોર્ટની પુન: ચકાસણી કરવા જણાવાશે. રી-અૉડિટના ભાગ તરીકે પાલિકાએ નિયુક્ત કરેલા સ્ટ્રકચરલ અૉડિટરે પશ્ચિમી ઉપનગરોમાં 150 અને પૂર્વી ઉપનગરોમાં 64 પુલોની તપાસની સમીક્ષા કરી હતી.
 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer