યુવરાજ નિવૃત્તિ લેવાની તૈયારીમાં

યુવરાજ નિવૃત્તિ લેવાની તૈયારીમાં
વિદેશી ટી-20 લીગ રમવાની સ્વીકૃતિ માંગશે

નવી દિલ્હી, તા.19: મર્યાદિત ઓવરોના ભારતના સૌથી સફળ પૈકીના એક યુવરાજસિંઘ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું ગંભીરતાથી વિચારી રહ્યો છે. તેની ઇચ્છા આઇસીસી માન્ય ટી-20 લીગોમાં રમવાની છે. ફ્રી લાન્સ ક્રિકેટર તરીકે બીસીસીઆઈ તરફથી મંજૂરી મળ્યા બાદ તે અંતિમ ફેંસલો લેશે. રીપોર્ટ અનુસાર આ લડાયક ખેલાડીએ સ્વીકારી લીધું છે કે તેના માટે હવે ટીમ ઇન્ડિયાના દ્વાર કાયમ માટે બંધ થઈ ગયા છે.
આજે બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે યુવરાજસિંઘ નિવૃત્તિ લેવા પર ગંભીરતાથી વિચારી રહ્યો છે. તેણે બીસીસીઆઇ પાસે જીટી-20 (કેનેડા), આયરલેન્ડમાં યુરો ટી-20 સ્લેમ અને હોલેન્ડમાં રમવાની સ્વીકૃતિ માંગી છે. ઉપરોક્ત લીગમાં રમવાની યુવીને ઓફર મળી છે. હાલમાં જ ઇરફાન પઠાણે કેરેબિયન લીગના ડ્રાફટમાં તેનું નામ આપ્યું છે. તે હજુ પણ સક્રિય પ્રથમ શ્રેણી ક્રિકેટર છે. તેણે બીસીસીઆઇની સ્વીકૃતિ લીધી નથી. આથી બીસીસીઆઇએ ઇરફાનને નામ પાછું લેવા સૂચના અપાઈ છે. આઇપીએલ છોડી ચૂકેલ સેહવાગ અને ઝહિરખાન દુબઈમાં ટી-10માં ભાગ લઈ રહ્યા છે. આથી એવું માનવામાં આવે છે કે યુવરાજે વિદેશી લીગમાં રમવા માટે લગભગ આઇપીએલ પણ છોડવું પડશે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer