વર્લ્ડ કપમાં વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડી તરીકે રોહિત-શિખર ઉતરશે

વર્લ્ડ કપમાં વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડી તરીકે રોહિત-શિખર ઉતરશે
2015ના વર્લ્ડ કપ બાદ આ ભારતીય પ્રારંભિક જોડીએ સૌથી વધુ રન કર્યા છે

નવી દિલ્હી, તા.19: સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગની નિવૃત્તિ બાદ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી તરીકે શિખર ધવન અને રોહિત શર્મા જવાબદારી બખૂબી નિભાવી રહી છે. 2019ના વર્લ્ડ કપમાં શિખર - રોહિતની જોડી દુનિયાની સૌથી સફળ જોડીનાં રૂપમાં ઉતરશે. આ ભારતીય જુગલ જોડીએ 101 વન ડે ઇન્ટરનેશનલ મેચમાં ભાગીદારીના રૂપમાં કુલ 4541 રન કર્યા છે. જે પાછલા 10 વર્ષમાં બીજી કોઇ પણ ઓપનિંગ જોડીનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. રોહિત - શિખર વચ્ચે પહેલી વિકેટમાં 15 સદીની અને 13 અર્ધસદીની ભાગીદારી થઈ હતી. 
2015ના વર્લ્ડ કપ બાદના આંકડા જોઇએ તો પણ રોહિત-શિખરની જોડી અવ્વલ રહી છે. આ ચાર વર્ષ દરમિયાન 60 વન ડે મેચમાં તેમણે 2609 રન કર્યા છે. જેમાં 8 સદી અને 7 અર્ધસદીની ભાગીદારી રહી છે. આ ચાર વર્ષમાં રોહિતે 71 મેચમાં 3790 અને શિખરે 67 મેચમાં 2848 રન કર્યા છે. 
વર્લ્ડ કપમાં આ વખતે ભાગ લઈ રહેલા બીજા ઓપનિંગ બેટ્સમેનોનાં પ્રદર્શન પર નજર કરીએ તો વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ (9850), દ. આફ્રિકાના હાશિમ અમલા (7880) અને બંગલાદેશના તમિમ ઇકબાલ (6636)એ ઓપનર તરીકે રોહિત શર્મા (6043)થી વધુ રન કર્યા છે. રોહિત 2013 બાદ વન ડેમાં નિયમિત ઓપનર બન્યો છે. એ પછી આ ભૂમિકા પર સર્વાધિક રન પણ તેના જ નામે છે. 
આ વખતના વર્લ્ડ કપમાં શિખર ધવન અને રોહિત શર્માની જોડીને ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડી જેસન રોય અને જોની બેયરસ્ટો (1675) સારી ટક્કર આપી શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ-ડેવિડ વોર્નર તથા પાક.ના ઇમામ ઉલ હક અને ફખર જમાં પણ હરીફાઇમાં રહેશે.
Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer