ચંદ્રાબાબુએ રાહુલ-પવાર સાથે 24 કલાકમાં બીજી વખત કરી મુલાકાત

સોનિયાએ હવે 23ને બદલે 24મીએ બોલાવી વિપક્ષોની બેઠક

નવી દિલ્હી, તા. 19 : લોકસભા ચૂંટણીની તમામ બેઠકો વચ્ચે મતદાન પૂર્ણ થયું છે અને હવે પરિણામની રાહ છે. તેવામાં વિપક્ષ સંપવિત સમિકરણને ધ્યાને લઈને રણનીતિ ઘડવાની કવાયત કરી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ પરિણામ પહેલા ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે અને પરિણામ બાદ ગઠબંધનની સ્થિતિને લઈને રવિવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે 24 કલાકમાં બીજી વખત મુલાકાત કરી હતી. ત્યારબાદ સીપીએમના સિતારામ યેચૂરીને પણ મળ્યા હતા. 
દરમિયાન, સોનિયા ગાંધીએ વિપક્ષોની બેઠક 23મીએ પરિણામના દિવસના બદલે હવે 24મીએ બોલાવી છે.
ચંદ્રાબાબુ નાયડુએ આ અગાઉ શનિવારે રાહુલ ગાંધી અને શરદ પવાર ઉપરાંત સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી  સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસ અગાઉ કોંગ્રેસ તરફથી ભાજપને સત્તામાંથી દૂર રાખવા માટે વડાપ્રધાન પદનો પણ ત્યાગ કરવાની વાત કરવામાં આવતા ગઠબંધનની અટકળો તેજ બની હતી. પરંતુ ત્યારબાદ ગુલામ નબી આઝાદે પોતાની વાતથી પલટતા કહ્યું હતું કે, કોંગ્રેસ પીએમ પદનો ત્યાગ નહી કરે. સરકાર પાંચ વર્ષ ચલાવવા માટે જૂના અને મજબૂત પક્ષના વડાપ્રધાન જરૂરી છે. કહેવાઇ  રહ્યું છે કે ભાજપ બહુમતથી દૂર રહે અને કોંગ્રેસને પૂરતી બેઠક ન મળે તો કોઈપણ ક્ષેત્રીય દળના નેતાના નેતૃત્વમાં યુપીએ ગઠબંધન સરકારના ગઠનનો પ્રયાસ થઈ શકે છે. જો કે આ  દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે ગઠબંધન ઉપર સવાલને લઈને કહ્યું હતું કે, તમામ પક્ષને 23 મેની રાહ છે. પરિણામ આવ્યા બાદ જ સ્પષ્ટ રીતે વાત કરી શકાશે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer