મુંબઈનાં તળાવોમાં માત્ર 15 ટકા પાણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : કાળઝાળ ઉનાળાની સાથે મુંબઈને પાણી પુરવઠો કરતાં તળાવોમાં પાણીની સપાટી ઝડપભેર ઘટી રહી છે. મે માસના પ્રથમ પખવાડિયાના અંતે માત્ર 15થી 17 ટકા પાણીનો જથ્થો સિલક છે. પાણીની આ ખેંચને કારણે મુંબઈ પાલિકાએ નાગરિકોને પાણીનો ઉપયોગ કરકસરથી કરવાની અપીલ કરી છે. જ્યારે થાણે જિલ્લાને પાણી પૂરું પાડતાં તળાવોમાં માત્ર 28 ટકા જ પાણી છે.
પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે તળાવોમાં ઉપલબ્ધ જથ્થાને આધારે જૂન સુધી મુંબઈગરાને પાણી પૂરું પાડી શકાશે. ચોમાસું લંબાય તો અનામત જથ્થાને આધારે જુલાઈ સુધી મુંબઈગરાને પાણી પૂરું પાડી શકાશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
મુંબઈને પાણી પૂરું પાડનારાં અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, વિહાર, તુલસી અને ભાત્સાના બંધમાંથી દરરોજ 3515 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવશે. મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં દર વર્ષે 14.50 લાખ મિલિયન લિટર પાણી હોય તો મુંબઈગરાને કાપ વિના આખું વર્ષ પાણી પૂરું પાડી શકાય છે.
થાણે જિલ્લાના પાણીપુરવઠા માટે મોટો આધાર બારવી બંધ ઉપર છે. 
થાણે જિલ્લાને 80 ટકા પાણી બારવી બંધમાંથી પૂરું પાડવામાં આવે છે તેમાં માત્ર 28 ટકા જ પાણી  છે જ્યારે વર્ષ 2018માં મે માસના ત્રીજા સપ્તાહમાં 40 ટકા પાણી જ હતું.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer