બંગાળ, યુપી અને બિહારમાં હિંસાથી ખરડાયો ચૂંટણીનો છેલ્લો તબક્કો

પશ્ચિમ બંગાળમાં ભાજપ-તૃણમૂલ સમર્થકો વચ્ચે અથડામણો : તેજપ્રતાપના સુરક્ષાકર્મીઓએ મીડિયા સાથે મારપીટ કરી

નવીદિલ્હી, તા.19: લોકસભા ચૂંટણીનો આજે અંતિમ તબક્કો પણ હિંસાની ઘટનાઓથી કલંકિત થયો હતો. આ વખતે પણ પશ્ચિમબંગાળનું નામ હિંસક બનાવોમાં મોખરે રહ્યું છે. આ ઉપરાંત પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પણ હિંસાની છૂટપૂટ ઘટનાઓ બની હતી. તો બિહારમાં રાજદનાં નેતા તેજ પ્રતાપનાં સુરક્ષાકર્મીઓએ મીડિયાકર્મી સાથે મારપીટ કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી ફરજ દરમિયાન હૃદયરોગનાં હુમલાથી કુલ મળીને 4 કર્મચારીનાં મોત પણ થઈ ગયા છે. 
પશ્ચિમબંગાળમાં ડાયમંડ હાર્બર લોકસભા બેઠક ઉપરથી મમતા બેનરજીનાં ભત્રીજા અભિષેક બેનરજી સામે ચૂંટણી લડતા ભાજપનાં ઉમેદવાર નિલાંજન રોયની મોટરકાર ઉપર કથિતરૂપે તૃણમૂલનાં કાર્યકરોએ હુમલો કરીને તોડફોડ મચાવી હતી. જાધવપુરમાં ભાજપનાં ઉમેદવાર અનુપમ હાજરાએ અનેક મતદાન મથકો ઉપર તૃણમૂલે ગડબડ કરી હોવાનાં આક્ષેપ કર્યા હતાં અને ભાજપનાં કાર્યકરોની પીટાઈ કરી હોવાનાં આરોપ પણ લગાવ્યા હતાં. તૃણમૂલની મહિલાઓ મોઢે કપડાં વીંટીને બોગસ મતદાન કરી રહી હોવાનાં આક્ષેપો પણ થયા હતાં. મથુરાપુરમાં મતદાન મથકોને બાનમાં લેવાયા હોવાનાં અહેવાલો પણ આવ્યા હતાં. તો કોલકાતા દક્ષિણ બેઠકની કસબા વિધાનસભામાં બે બૂથ ઉપર મતદારો સાથે ધોલધપાટ થઈ હતી. ઘણાં મતદાન કેન્દ્ર ઉપર મતદારોને મતદાન કરતાં અટકાવાયા હોવાના સમાચાર પણ હતાં. તો ભાટપરા તાબેનાં બરાકપોર મતક્ષેત્રમાં તૃણમૂલનાં પેટાચૂંટણી ઉમેદવાર મદન મિત્રાનો એક બોમ્બ ધડાકામાં સ્હેજમાં બચાવ થયો હતો. ફેંકાયેલો એક ક્રુડ બોમ્બ તેમની કારની ખુબ જ નજીક ફાટયો હતો. પંચે આ ઘટનાનો અહેવાલ પણ માગ્યો છે. 
ઉત્તરપ્રદેશમાં ચંદોલી લોકસભા બેઠકનાં મુગલસરાયમાં મતદાન દરમિયાન ભાજપ અને સમાજવાદી પાર્ટીનાં કાર્યકરો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ ગઈ હતી. જેમાં પોલીસે ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ પણ કરવો પડયો હતો. 
જ્યારે પંજાબની હિંસામાં તો એક શખસનું મોત પણ નીપજ્યું હતું. ખડૂર સાહેબ ક્ષેત્રનાં સરલી ગામમાં મતદાન બાદ થયેલા ઝઘડામાં અકાલી કાર્યકરોએ કોંગ્રેસનાં કાર્યકર ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો બોલાવી દીધો હતો. જેમાં તેનું મોત થયું હતું. જો કે પોલીસ આને વ્યક્તિગત દુશ્મનાવટની ઘટના લેખાવે છે. બઠિંડાનાં રામપુર ફૂલમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ અકાલી કાર્યકરોને એક ઓરડામાં ગોંધી દીધા હતાં. અકાલી દળનાં નેતા સિકંદર સિંહે કહ્યું હતું કે, તેમણે પોતાનાં કાર્યકરોને છોડાવ્યા ત્યારે તેમની સાથે મારપીટ થઈ હોવાની સાબિતી આપતાં ઈજાનાં નિશાનો જોવા મળ્યા હતાં. તો બઠિંડાનાં જ તલવંડીમાં કેટલાક અસામાજિક તત્વોએ મતદાન મથકને રમણભમણ કરી નાખ્યું હતું. ત્યાર બાદ પેદા થયેલી તંગદિલીમાં ગોળીબાર પણ થયો હતો અને તેમાં એક જણ ઘાયલ પણ થઈ ગયો હતો. 
બિહારનાં પટણામાં રાજદનાં પ્રમુખ લાલુપ્રસાદ યાદવનાં પુત્ર તેજપ્રતાપનાં અંગરક્ષકોએ મીડિયાનાં એક કેમેરામેન સાથે નિર્દયતાથી મારપીટ કરી હતી. તો આ ઘટનામાં સ્પષ્ટતા કરતાં તેજપ્રતાપે પોતાની હત્યાનાં કાવતરાનો આક્ષેપ કર્યો હતો. આ હંગામામાં તેજની ગાડીનો કાચ પણ તૂટયો હતો. કર્ણાટકમાં બોમ્બ બ્લાસ્ટ: કર્ણાટકનાં કોંગ્રેસ ધારાસભ્ય મુનિરત્ન નાઈડુનાં બેંગ્લોર સ્થિત આવાસ બહાર આજે એક પ્રચંડ બોમ્બ ધડાકો થયો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું. આજે સવારે બનેલી આ ઘટના પછી વિધાયકનાં ઘર બહાર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો અને પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી દીધી હતી.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer