મને હટાવીને મુખ્ય પ્રધાન બનવા માગે છે સિદ્ધુ અમરિંદર સિંહ

મને હટાવીને મુખ્ય પ્રધાન બનવા માગે છે સિદ્ધુ અમરિંદર સિંહ
પંજાબમાં સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચેનો ખટરાગ સપાટી ઉપર આવ્યો 

નવી દિલ્હી, તા. 19 : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને રાજ્યના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેનો ખટરાગ સપાટી ઉપર આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ કેપ્ટન સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી હતી. જેનું સિદ્ધુએ પણ સમર્થન કર્યું હતું. આ દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુને મહત્ત્વાકાંક્ષી ગણાવતા કહ્યું હતું કે, સિદ્ધુને મુખ્યમંત્રી બનવું છે.
પંજાબની 13 લોકસભા બેઠક ઉપર લોકસભા ચૂંટણીના મતદાનના અંતિમ તબક્કા વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પટિયાલાના પોલિંગ બૂથ નંબર 89 ઉપર પોતાનો મત આપ્યો હતો. મતદાન બાદ સિદ્ધુનો ઉલ્લેખ કરતા કેપ્ટને કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ સાથે કોઈ જુબાની જંગ નથી. જો સિદ્ધુ મહત્ત્વાકાંક્ષી હોય તેમાં કંઈ ખોટુ પણ નથી. લોકોમાં મહત્ત્વાકાંક્ષા હોય છે જે હું જાણું છું. વધુમાં સિદ્ધુ સાથે કોઈ મતભેદ પણ નથી. પરંતુ સિદ્ધુ કદાચ મને હટાવીને મુખ્યમંત્રી બનવા માગે છે અને તે જ મુશ્કેલી છે. આ અગાઉ નવજોત કૌરે આરોપ મુક્યો હતો કે અમરિંદર સિંહના કારણે તેમને લોકસભા ટિકિટ મળી નથી. આ નિવેદન ઉપર સિદ્ધુએ કહ્યું હતું કે, મારી પત્ની નૈતિક રૂપે એટલી મજબૂત છે કે તે ખોટુ નહી બોલે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer