ધ્યાન માટે મોદીએ પસંદ કરેલી ગુફા નાનકડા હોટલ રૂમથી કમ નથી

ધ્યાન માટે મોદીએ પસંદ કરેલી ગુફા નાનકડા હોટલ રૂમથી કમ નથી
સીસીટીવી, શૌચાલય, વોશરૂમ, પીવાનું પાણી અને વીજળી સહિતની સુવિધા અને ભાડું 990 રૂપિયા

દેહરાદૂન, તા. 19 : ઉત્તરાખંડના કેદારનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગુફામાં ધ્યાન કર્યું હતું તે ગુફાનું એક દિવસનું ભાડું 990 રૂપિયા છે. આ ગુફામાં અલગ અલગ આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં વીજળી, પીવાનું પાણી, વોશરૂમ વગેરેનો સમાવેશ થાય છે. પથ્થરથી બનેલી ગુફામાં લાકડાનો દરવાજો છે અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને દિવસમાં બે વખત ચાની સવલત પણ મળે છે. આ સુવિધા મેળવવા માટે કોલ બેલ પણ છે. જેનાથી વસ્તુ મેળવવા વ્યક્તિને બોલાવી શકાય છે. 
દરિયાઈ સપાટીથી 12,000 કિમીની ઉંચાઈએ આવેલી કૃત્રિમ ગુફા પર્યટકોને આકર્ષવા માટે બનાવવામાં આવી છે જેમાં સીસીટીવીથી લઈને શૌચાલય સુધીની તમામ સુવિધા આપવામાં આવે છે. વધુમાં મોદીની મુલાકાત પહેલા ત્યાં સુરક્ષાને લઈને વધુ સુવિધા કરવામાં આવી હતી. આ ગુફા મોદીના સૂચનને ધ્યાને લઈને જ ગયા વર્ષે બનાવવામાં આવી હતી જેનો હેતુ કેદારનાથ વિસ્તારમાં લોકોના ધ્યાન માટેની સવલત આપવાનો હતો. શરૂઆતમાં ગુફાનું ભાડુ ત્રણ હજાર રૂપિયા રાખવામાં આવ્યું હતું. જો કે તેનાથી પર્યટકો આકર્ષાયા નહોતા અને સમગ્ર યોજના નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ ભાડુ ઘટાડવામાં આવ્યું હતું પરંતુ ત્રણ દિવસનું બુકિંગ અનિવાર્ય હતું. બાદમાં ત્રણ દિવસની અનિવાર્યતા પણ દૂર કરી દેવામાં આવી હતી. કેદારનાથ મંદિરના પુજારીના કહેવા પ્રમાણે મોદી દ્વારા ધ્યાન માટે ગુફાનો ઉપયોગ કરવામાં આવતા હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહિંયા આવશે. 
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer