1 જૂનના જન્મેલા 444 પોલીસો 31 મેના દિવસે નિવૃત્ત થશે

1 જૂનના જન્મેલા 444 પોલીસો 31 મેના દિવસે નિવૃત્ત થશે
મુંબઈ, તા. 19 : 31મી મેના નિવૃત્ત થનારા 444 પોલીસોને વિદાય આપવાનો સમારંભ યોજવાની તૈયારીમાં હાલ મુંબઈ પોલીસ વ્યસ્ત છે.
આ સમારંભમાં નિવૃત્ત થનારા પોલીસોના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
મુંબઈ પોલીસ નિવૃત્ત થનારા પ્રત્યેક પોલીસ કર્મચારીને અને તેમના જીવનસાથીને કાંડા ઘડિયાળ ભેટ આપશે તેમ જ નિવૃત્ત પોલીસનું નવું ઓળખપત્ર, સ્મૃતિ ચિહ્ન, શાલ અને શ્રીફળ આપશે.
31 મેના આટલી મોટી સંખ્યામાં પોલીસો નિવૃત્ત થાય એ એક અનોખી ઘટના છે. આને સમજવા માટે 1-6ની વિખ્યાત દંતકથાને સમજવી પડશે. એમ નિવૃત્ત એસીપી શિવાજી કોલેકરે જણાવ્યું હતું.
આઝાદી પહેલાં કે આઝાદ ભારતમાં જન્મેલા અસંખ્ય લોકોની કાગળ પરની જન્મ તારીખ 1 જૂન છે (1-6) એ વખતમાં ગ્રામ્ય વિસ્તારોમાં જન્મની નોંધણી કરતી કોઈ સરકારી એજન્સીઓ નહોતી. આ ઉપરાંત અસાક્ષરતા અને જન્મના મોટા પ્રમાણને કારણે માતા-પિતાને તેમનાં બાળકોની જન્મતિથિ કે તારીખ યાદ રહેતી નહોતી એમ કોલેકરે જણાવ્યું હતું.
નવા શૈક્ષણિક સત્રો 1 જૂનના શરૂ થતાં હોવાથી 1950 અને 1960ના દાયકામાં જન્મેલાં બાળકોની જન્મ તારીખ જ્યારે તેના વાલીઓને યાદ રહેતી નહોતી ત્યારે 1 જૂનને તેમનો જન્મદિવસ ગણી લેવામાં આવતો હતો. આ પ્રથા લગભગ 1970 સુધી ચાલુ રહી હતી.
મુંબઈ પોલીસમાં હાલ 50,000નું સંખ્યાબળ છે જેમાં 2850 અધિકારીઓ અને 47,500 કોન્સ્ટેબલો છે. દર વર્ષે અંદાજે 900 પોલીસો નિવૃત્ત થતા હોય છે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer