ઘાટકોપરના દેરાસરમાંથી ચાંદીનો મુગટ તફડાવનાર રીઢા ચોરની ધરપકડ

ઘાટકોપરના દેરાસરમાંથી ચાંદીનો મુગટ તફડાવનાર રીઢા ચોરની ધરપકડ
મુંબઈના અનેક જૈન મંદિરમાં થયેલી ચોરીમાં તેનો હાથ : અંધેરીના મંદિરમાંથી ચોરેલી જ્વેલરી પણ જપ્ત
મુંબઈ, તા. 19 : ઘાટકોપર (પશ્ચિમ) ખાતે આવેલા શ્રી મુનિસુવ્રત જૈન દેરાસરમાંથી રૂપિયા 70 હજારની કિંમતના ચાંદીના મુગટની ચોરી કરવા બદલ તાજેતરમાં 40 વર્ષના નરેશ જૈનની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી નરેશ જૈને અગાઉ પણ જૈન દેરાસરોમાંથી ચોરી કરી છે અને તેની સામે ભાયખલા, અગ્રીપાડા, કાલાચોકી, અંધેરી, એલ.ટી. માર્ગ, આઝાદ મેદાન, વડાલા અને ઘાટકોપર ખાતે કેસો નોંધાયેલા છે.
24 એપ્રિલના સવારના 10.30 વાગે આરોપી નરેશ જૈન ઘાટકોપર વેસ્ટમાં નવરોજ લેનના શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયમાં પ્રવેશ્યો હતો અને તેણે બે કિલોના ચાંદીના મુગટની ચોરી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે જૈને છેલ્લા ત્રણ દિવસથી દેરાસર પર નજર રાખી હતી. સીસીટીવી કેમેરામાં પકડાઈ ન જવાય એ માટે તેણે ટોપી પહેરી લીધી હતી. દેરાસરમાં જ્યારે કોઈ નહોતું ત્યારે તેણે મુગટ ચોરી લીધો હતો એમ ઘાટકોપર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે આ રીતે ચોરી કોણ કરે છે એનો અભ્યાસ કર્યો હતો અને ખબરીઓને કામે લગાડયા હતા. છેવટે પોલીસે બુધવારે ભૂલેશ્વરથી નરેશ જૈનને પકડી લીધો હતો.
તેણે પોલીસને કહ્યું હતું કે ભગવાનનાં આભૂષણો કે મૂર્તિ વેચવામાં કોઈ કટકટ નડતી નથી. એટલે હું માત્ર જૈન મંદિરમાં જ ચોરી કરતો.
પોલીસે જૈન પાસેથી અંધેરી દેરાસરમાંથી ચોરેલી જ્વેલરી પણ જપ્ત કરી હતી.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer