આગામી વર્ષથી ભારતમાં તીવ્ર બનશે લૂનો કહેર

આગામી વર્ષથી ભારતમાં તીવ્ર બનશે લૂનો કહેર
આઈઆઈટીએમના અભ્યાસ પ્રમાણે 2020થી હીટવેવની ક્ષમતા અને સમયમાં થશે વૃદ્ધિ

પુણે, તા. 19 : ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મીટરિયોલોજી (આઈઆઈટીએમ)ના કહેવા પ્રમાણે ભારતમાં 2020થી હીટ વેવની ક્ષમતા અને તેના સમયમાં વૃદ્ધિ જોવા મળશે. એક અભ્યાસ પ્રમાણે હીટ વેવની અસરમાં આવનારા બદલાવ માટે અલ નીનો મોડોકી વેધર સિસ્ટમ જવાબદાર હોય શકે છે. જે અલ નીનોથી અલગ છે. જમીનમાં ભેજની કમી અને ધરતીથી વાતાવરણમાં ગરમીનું સ્થાનાંતરણ પણ હીટ વેવને વધારશે. 
2020 અને 2064 વચ્ચે હવામાન સંબંધિત ઘટનાઓ દક્ષિણ ભારતના હિસ્સા અને તટીય ક્ષેત્રોને પ્રભાવિત કરશે. આ વિસ્તાર અત્યાર સુધી હીટવેવની અસરથી મોટા ભાગે બચેલો છે. `ફ્યૂચર પ્રોજેક્શન્સ ઓફ હીટ વેવ્સ ઓવર ઈન્ડિયા ફ્રોમ સીએમઆઈપી5 મોડલ્સ' શીર્ષક હેઠળ તૈયાર થયેલો અભ્યાસ ઈન્ટરનેશનલ જર્નલ ક્લાઈમેટ ડાયનેમિક્સમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં 9 ક્લાઈમેટ મોડલ્સનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેથી સમજી શકાય કે ભારતમાં હીટ વેવની તીવ્રતા, ક્ષમતા અને સમયગાળો કેવી રીતે વધશે અને તેની સ્વાસ્થ્ય ઉપર કેટલી ગંભીર અને વિપરીત અસર થશે. અભ્યાસમાં ભારતમાં 1961થી 2005 વચ્ચે હીટ વેવ્સની 54 ઘટનાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેના હેઠળ 2020થી 2064 વચ્ચે  ભારતમાં હીટ વેવ્સની સંખ્યા વધીને 138 થઈ શકે છે. 
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જે વર્ષે અલ નીનોની અસર થાય છે તેના પછીના વર્ષે હીટ વેવ્સની આશંકા વધારે રહે છે. વધુમાં અલ નીનો મોડોકી વેધર સિસ્ટમ (જ્યારે કેન્દ્રીય પ્રશાંત મહાસાગર ગરમ થાય છે) આગામી વર્ષથી ભારતમાં લાંબા સમય સુધી વારંવાર હીટ વેવ્સ માટે જવાબદાર બની શકે છે. તેમજ 2020થી 2064 વચ્ચે હીટવેવની ફ્રિક્વન્સી દોઢથી અઢી ગણી વધી શકે છે અને તેનો સમયગાળો પણ 5થી 7 દિવસને બદલે 12થી 18 દિવસનો થઈ શકે છે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer